લંડનઃ બ્રિટિશરો માટે જીવનનિર્વાહ કટોકટી હળવી બનાવવા 400 પાઉન્ડનું એનર્જી રિબેટ જાહેર કર્યા પછી ચાન્સેલર રિશિ સુનાકે કહ્યું છે કે તેઓ તેમને મળનારું રિબેટ ચેરિટીને આપી દેશે. તેમણે અન્ય ધનવાન લોકોને પણ આમ કરવાનો અનુરોધ કર્યો હતો. જે લોકો નાણાકીય સંકટ અનુભવતા નથી તેમને પણ આ રિબેટ મળવાનું છે તેમજ બે ઘર ધરાવનારાને બમણું પેમેન્ટ મળશે.
યુકેમાં 15 બિલિયન પાઉન્ડના સહાય પેકેજ હેઠળ સંપત્તિને ધ્યાનમાં લીધા વિના તમામ પરિવારોને આ રિબેટ મળશે તે જાહેર કરાયા પછી મોટા સવાલો ઉભા કરાયા છે. જે લોકોને જરૂર ન હોય તેમના માટે પણ શા માટે સબસિડી મળશે તેવો પ્રશ્ન સુનાક સામે કરાયો ત્યારે ચાન્સેલરે જણાવ્યું હતું કે નાણા સમૃદ્ધ લોકોને મળે નહિ તેની ચોકસાઈ રાખવા માટે સ્કીમ રજૂ કરવાનું ઘણું મુશ્કેલ બની જાય તેમ હતું.
પત્ની અક્ષતા મૂર્તિ સાથે 730 મિલિયન પાઉન્ડની સંપત્તિના આધારે ટાઈમ્સ રિચ લિસ્ટમાં સ્થાન મેળવનાર પ્રથમ કેબિનેટ મિનિસ્ટર બનનારા ચાન્સેલરે કહ્યું હતું કે તેઓ વ્યક્તિગત રીતે સબસિડીની રકમ ચેરિટીને આપી દેવાના છે. તેમણે સ્કાય ન્યૂઝના ઈન્ટરવ્યૂઅર નીઆલ પેટરસનને કહ્યું હતું કે તમે પણ જરૂર ન હોય તો તે નાણા ચેરિટીને આપી શકો છો. તમે આમ કરીને ઉદાહરણ પ્રસ્થાપિત કરી શકશો.

