લંડનઃ બ્રિટિશ વડા પ્રધાન થેરેસા મેએ આઠ જાન્યુઆરીએ કેબિનેટ રીશફલમાં ભારતીય મૂળના રાજકારણી અને ઇન્ફોસીસના સહસ્થાપક બિલિયોનેર એન.આર. નારાયણમૂર્તિના ૩૭ વર્ષીય જમાઇ રિશિ સુનાકને હાઉસિંગ, કોમ્યુનિટીઝ અને લોકલ ગવર્મેન્ટ મંત્રાલયમાં પાર્લામેન્ટરી અંડર સેક્રેટરી તરીકે સ્થાન આપ્યું છે.
થેરેસા મેની ઓફિસ તરફથી મંગળવારે ટ્વીટ કરવામાં આવી હતી કે, એમપી રિશી સુનાક પાર્લામેન્ટરીના સ્ટેટ મિનિસ્ટર ઓફ હાઉસિંગ, કોમ્યુનિટીઝ અને લોકલ ગવર્મેન્ટના અંડર સેક્રેટરી તરીકે અપોઇન્ટ કરવામાં આવ્યા છે.
ઓક્સફર્ડ અને સ્ટેનફર્ડ યુનિવર્સિટીના વિદ્યાર્થી રિશિ સુનાક ૨૦૧૫ની જનરલ ઈલેક્શનમાં નોર્થ યોર્કશાયરના રિચમન્ડ મતક્ષેત્રમાંથી ચૂંટાઈ આવ્યા હતા. આ પછી તેઓ કન્ઝર્વેટિવ પાર્ટીમાં ઉભરતા સિતારા ગણાય છે. બ્રેક્ઝિટના પ્રખર સમર્થક રિશિએ યુરોપિયન યુનિયનના નિરાશાજનક રેકોર્ડની આકરી ટીકા કરી છે. તેમની દલીલ છે કે બ્રિટન પોતાની ટ્રેડ પોલિસી પરનું નિયંત્રણ ફરી પ્રાપ્ત કરી શકે છે. રિશિએ હાઉસ ઓફ કોમન્સમાં ડિજિટલ ઈકોનોમી, વાઈલ્ડલાઈફ ટ્રેડ, પ્રત્યક્ષ વિદેશી રોકાણ અને સામાજિક ગતિશીલતા સહિતના મુદ્દાઓ ઉઠાવી નોંધપાત્ર ફાળો આપ્યો છે.
ગોવામાં મૂળ ધરાવતા સુનાક અને નારાયણ મૂર્તિની દીકરી અક્ષતા મૂર્તિ સ્ટેનફર્ડ બિઝનેસ સ્કૂલમાં ક્લાસમેટ હતા. તેઓએ લગ્ન કરી લીધા. આ દંપતીને બે દીકરીઓ- કૃષ્ણા અને અનુષ્કા છે. રાજકારણમાં આવતા પહેલા ૨૦૧૪માં રિશિએ નાના બ્રિટિશ બિઝનેસીસને મદદ કરવા લંડનમાં ગ્લોબલ ઈન્વેસ્ટમેન્ટ કંપનીની સ્થાપના કરી હતી. તેમની કંપનીએ બ્રિટિશ બિઝનેસીસને એક બિલિયન પાઉન્ડનું ભંડોળ આપ્યું હતું.