લંડનઃ ચાન્સેલર રિશિ સુનાકની ‘ઈટ આઉટ ટુ હેલ્પ આઉટ’ યોજનાને ભારે આવકાર સાંપડ્યો છે. હજારો લોકોએ પબ્સ અને રેસ્ટોરાંમાં ઓગસ્ટ મહિનામાં સપ્તાહમાં ત્રણ દિવસ ફૂડ અને સોફ્ટ ડ્રિન્ક્સના ઉપયોગમાં ૫૦ ટકાની સરકારી સહાય-ડિસ્કાઉન્ટનો બરાબર લાભ લીધો હતો. ઓગસ્ટ મહિનાના પહેલા સોમવાર, પાંચ ઓગસ્ટે પબ્સ અને રેસ્ટોરાં ગ્રાહકોથી ઉભરાઈ ગયાં હતાં. લંડનમાં કેટલાંક રેસ્ટોરાં આગામી મહિને પણ ૫૦ ટકાનું ડિસ્કાઉન્ટ આપવાં અને તેનો ખર્ચ ખુદ ઉઠાવી લેવા તૈયાર થયાં છે. જોકે, બ્રિટિશ બિયર એન્ડ પબ એસોસિયેશનના જણાવ્યા અનુસાર ત્રીજા ભાગની પબ્સ ફરી ખૂલ્યાના એક મહિના પછી પણ ખોટને સરભર કરી શકશે નહિ. એક સપ્તાહ અગાઉના સોમવારે સમગ્ર બ્રિટનમાં ખાણીપીણીના સ્થળોએ કરાયેલા ખર્ચની સરખામણીએ લગભગ ૧૮ ટકાનો વધારો જોવા મળ્યો હતો.
બ્રિટનના પબ્સ અને રેસ્ટોરાં માટે ઓગસ્ટનો પ્રથમ સોમવાર વર્ષનો સૌથી વ્યસ્ત સોમવાર બની રહ્યો હતો. ખાણીપીણીના ૭૩,૦૦૦થી વધુ આઉટલેટ્સ ફૂડ અને સોફ્ટ ડ્રિન્ક્સ પર સરકારની અડધી કિંમતની ‘ઈટ આઉટ ટુ હેલ્પ આઉટ’ યોજનામાં સામેલ થયા હતા. આ યોજના ઓગસ્ટ મહિનાના સોમવારથી બુધવાર સુધી અમલી રહેશે. મોટા ભાગના સ્થળોએ માર્ચ મહિના પછી પહેલી વખત ટેઈક-અવે કરતાં રેસ્ટોરામાં બેસીને જમનારા ગ્રાહકોની સંખ્યા વધી ગઈ હતી. લંડનમાં કેટલાંક રેસ્ટોરાં નોકરી પર પાછા ફરનારા વર્કર્સ પર આધાર રાખી આગામી મહિને પણ સરકારી સબસિડી વિના ૫૦ ટકાનું ડિસ્કાઉન્ટ આપવાં તૈયાર થયા છે. જોકે, કેટલાક એમ્પ્લોયર્સે ૨૦૨૧ સુધી પોતાના સ્ટાફને ઓફિસે નહિ આવવાની સલાહ આપી છે.
સ્કીમની લાંબી સફળતા સામે પ્રશ્ન
રેવન્યુ અને કસ્ટમ્સ વિભાગના પ્રવક્તાએ તેના પેસબૂક પેજ પર લખ્યું હતું કે બીજી ઓગસ્ટની મધરાત સુધીમાં ૭૩,૦૮૯ રેસ્ટોરાં ‘ઈટ આઉટ ટુ હેલ્પ આઉટ’ યોજનામાં સામેલ થયા હતા. સસ્તાં લંચ અને ડિનરની લાલચ થકી આ યોજનાની પ્રાથમિક સફળતા છતાં, દેશની સંઘર્ષ ખેડી રહેલી હોસ્પિટાલિટી ઈન્ડસ્ટ્રી માટે તે લાભકારી બની રહે તેમ લાગતું નથી. બ્રિટનમાં ઘણા લોકો ભીડવાળી જગ્યાઓએ સંક્રમણના જોખમનો ભય અનુભવે છે જે, વર્કર્સને ફરી નોકરીએ ચડાવી અર્થતંત્રને ગતિ આપવાના જ્હોન્સનના પ્રયાસોમાં અવરોધરુપ છે.
સુનાકની ૫૦૦ મિલિયન પાઉન્ડની યોજનામાં ઓગસ્ટ મહિનાના સોમવાર-મંગળવાર અને બુધવારના દિવસોએ (મહિનામાં ૧૩ દિવસ) રેસ્ટોરાં અને પબ્સમાં ફૂડ અને સોફ્ટ ડ્રિન્ક્સ (આલ્કોહોલ સિવાય)ની ખરીદીના બિલમાં ૫૦ ટકાનું ડિસ્કાઉન્ટ અપાવાનું છે જે, વ્યક્તિદીઠ મહત્તમ ૧૦ પાઉન્ડનું હશે. આ સબસિડીથી ૧.૮ મિલિયન લોકોને રોજગારી આપતા રેસ્ટોરાં, પબ્સ અને કાફેઝમાં નોકરીઓને નુકસાનમાં મદદ મળશે.
૩૩ ટકાથી વધુ પબ્સની ખોટ સરભર નહિ થાય
જોકે, બ્રુઅર્સ અને પબ્સના પ્રતિનિધિ બ્રિટિશ બિયર એન્ડ પબ એસોસિયેશને ચેતવણી આપી હતી કે યુકેના એક-તૃતીઆંશથી વધુ પબ્સ ફરી ખૂલ્યાના એક મહિના પછી પણ ખોટને સરભર કરી શકશે નહિ. ઈંગ્લેન્ડમાં લોકડાઉન પછી ૪ જુલાઈએ ફરી ખુલ્યાં પછીના બરાબર એક મહિને એસોસિયેશનના સભ્યોના સર્વેમાં આ તારણ બહાર આવ્યું હતું. ૨૫ ટકા પબ્સે જણાવ્યું હતું કે સુનાકની યોજના પછી પણ વર્તમાન સંજોગોમાં માર્ચ ૨૦૨૧ પછી તેમનો બિઝનેસ ચાલી શકવાની સ્થિતિમાં રહે તેમ તેઓ માનતા નથી.