લંડનઃ ફેબ્રુઆરી મહિનામાં બોરિસ જ્હોન્સન સરકારમાં મોટા પાયે ફેરબદલ કરાવાની છે તેમાં વર્તમાન ટ્રેઝરી ચીફ સેક્રેટરી રિશિ સુનાકને નવી આર્થિક ‘સુપર મિનિસ્ટ્રી’નો હવાલો સોંપાશે તેમ વરિષ્ઠ ટોરી વર્તુળો જણાવી રહ્યા છે.
ફાઈનાન્સિયલ ટાઈમ્સના અહેવાલ અનુસાર વડા પ્રધાનની નિકટના સૂત્રોનું કહેવું છે કે ચૂંટણી દરમિયાન સુનાકના પરફોર્મન્સના કારણે તેમને રીશફલમાં પૂર્ણ કેબિનેટ પોર્ટફોલિઓમાં બઢતી અપાનાર છે. વડા પ્રધાન આંતરરાષ્ટ્રીય વેપાર ડિપાર્ટમેન્ટને સમાવી લેતું વ્યાપક બિઝનેસ મંત્રાલય રચવા માગે છે. આ મંત્રાલય યુકેમાં રોકાણો આકર્ષવા તેમજ મિડલેન્ડ્સ અને નોર્ધર્ન ઈંગ્લેન્ડના વિસ્તારો સહિત ગરીબ વિસ્તારોમાં મદદ થાય તે રીતે બ્રિટિસ અર્થતંત્રને ઊંચુ લાવવાની કામગીરી કરશે.
કેટલાક મિનિસ્ટર્સ એમ માને છે કે વ્હાઈટહોલના ‘ખર્ચ વિભાગ’માં થોડો સમય વીતાવ્યા પછી ટ્રેઝરી ચીફ સેક્રેટરી રિશિ સુનાક ચાન્સેલર તરીકે પણ બઢતી મેળવી શકે છે. એક મિનિસ્ટરે જણાવ્યું હતું કે કેબિનેટમાં બોરિસ અર્થતંત્ર બાબતે સૌ પહેલા રિશિ તરફ નજર નાખતા રહે છે.
ભારતીય સોફ્ટવેર જાયન્ટ ઈન્ફોસિસના સ્થાપક નારાયણ મૂર્તિના જમાઈ રિશિએ સિલિકોન વેલીથી બેંગલોર સુધીની કંપનીઓ સાથે કાર્યરત ઈન્વેસ્ટમેન્ટ બિઝનેસના સહસ્થાપક બનતા પહેલા ગોલ્ડમેન સાક્સ અને હેજ ફંડ્સમાં પણ કામ કર્યું છે. રિશિએ ૨૦૧૬ના રેફરન્ડમમાં બ્રેક્ઝિટનું સમર્થન કર્યું હતું.


