લંડનઃ બ્રિટિશ ભારતીય રિશી મદલાણી લંડનની હોલ્બોર્ન અને સેન્ટ પેન્ક્રાસ બેઠક પરથી પૂર્વ વડાપ્રધાન કેર સ્ટાર્મરના ઉત્તરાધિકારી બનવાની રેસમાં સામેલ થયા છે. તેઓ આ સંસદીય વિસ્તારમાં દાવેદારી નોંધાવનાર એકમાત્ર બ્રિટિશ ભારતીય ઉમેદવાર તરીકે ઉભરી આવ્યા છે.
ટ્રાન્સફોર્મેશનલ પોલિટિક્સ અને સસ્ટેનેબલ ફાઇનાન્સ ક્ષેત્રે સક્રિય 44 વર્ષીય મદલાણી ભૂતપૂર્વ લેબર કાઉન્સિલર રહી ચૂક્યા છે અને છેલ્લા 25 વર્ષથી આ વિસ્તાર સાથે સંકળાયેલા છે. વિદ્યાર્થીકાળથી જ આ વિસ્તારમાં રહેતા મદલાણીએ સ્થાનિક મુદ્દાઓ, પર્યાવરણ અને પરવડે તેવા હાઉસિંગ ક્ષેત્રે સતત કામ કર્યું છે. ભારતના પ્રથમ હાઈકમિશનર વી. કે. કૃષ્ણ મેનન પણ સેન્ટ પેન્ક્રાસથી લેબર કાઉન્સિલર રહી ચૂક્યા હતા. તે જ પરંપરાને આગળ ધપાવવા માટે મદલાણી તત્પર છે. લેબર ઈન્ડિયન્સ અને લેબર ફ્રેન્ડ્સ ઓફ ઈન્ડિયા જેવા અગ્રણી સમુદાય જૂથોએ તેમની ઉમેદવારીનું સમર્થન કર્યું છે. ઓક્ટોબરમાં યોજાનારી આ પેટાચૂંટણીમાં ઉમેદવારોની આખરી યાદી ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.


