લંડનઃ પૂર્વ વડાપ્રધાન રિશી સુનાક અને તેમના પત્ની અક્ષતા મૂર્તિ ગાણિતિક જ્ઞાનમાં વધારો કરવા માટે ન્યુમરસી ચેરિટીનો પ્રારંભ કરી રહ્યાં છે. વડાપ્રધાનપદેથી વિદાય લીધા બાદ રિશી અને અક્ષતાનું આ સૌપ્રથમ સંયુક્ત સાહસ છે. આ પ્રોજેક્ટને રિચમન્ડ નામ અપાયું છે. નોર્થ યોર્કશાયરના આ શહેરમાં રિશી સુનાક અને પરિવાર વસવાટ કરે છે અને સુનાક આ વિસ્તારનું સંસદમાં પ્રતિનિધિત્વ પણ કરે છે.
સુનાક દંપતીએ એક પ્રાઇવેટ ઓફિસ શરૂ કરી છે પરંતુ આ તેમનો પ્રથમ જોઇન્ટ પ્રોજેક્ટ છે. તેમનું કહેવું છે કે આંકડા સાથેનો આત્મવિશ્વાસા મહત્વનો મુદ્દો છે અને આ ચેરિટી દ્વારા અમે મહત્વનું યોગદાન આપી શકીશું. જીસીએસઇના મેથ્સ વિષયમાં 33 ટકા બાળકો પાસ થવા માટે જરૂરી ગ્રેડ 4 પણ પ્રાપ્ત કરી શક્તાં નથી.
રિશી સુનાક વડાપ્રધાન હતા ત્યારે તેમની ઇચ્છા હતી કે સેકન્ડરી સ્કૂલ એજ્યુકેશનમાં વિદ્યાર્થીઓને 18 વર્ષની ઉંમર સુધી ગણિતનું શિક્ષણ અપાય પરંતુ સત્તા ચાલ્યા ગયા બાદ તેમની આ ઇચ્છા પૂરી થઇ શકી નહોતી. સુનાકનું માનવું હતું કે ગણિતના ઓછા જ્ઞાનને કારણે બેરોજગાર રહેવાથી દેશના અર્થતંત્રને બિલિયનો પાઉન્ડનું નુકસાન થઇ રહ્યું છે.
તેમની આ ચેરિટી દ્વારા ગાણિતિક સમસ્યાના ઉકેલ માટે પ્રયાસ કરાશે. ગણિતમાં સંઘર્ષ કરી રહેલા વિદ્યાર્થીઓને મદદ કરાશે. સુનાકે જણાવ્યું હતું કે, હું અને અક્ષતા શિક્ષણ અને તેમાં પણ ગાણિતિક જ્ઞાન માટે ઘણા મહત્વાકાંક્ષી છીએ. જો અમે જનમાનસ બદલી શકીએ તો તેમનામાં આત્મવિશ્વાસ જગાવીને જિંદગીઓ બદલી શકીએ છીએ.
પ્રોસ્ટેટ કેન્સર ચેરિટીના એમ્બેસેડર બન્યા રિશી સુનાક
રિશી સુનાક પ્રોસ્ટેટ કેન્સર ચેરિટીના એમ્બેસેડર નિયુક્ત થયાં છે. તેમણે જણાવ્યું હતું કે, આ એક સન્માનની બાબત છે. પ્રોસ્ટેટ કેન્સરનું મોટું જોખમ હોય તેવા પુરુષો માટે નેશનલ સ્ક્રિનિંગ પ્રોગ્રામ શરૂ કરવાના પ્રોસ્ટેટ કેન્સર રિસર્ચના અભિયાનને હું સમર્થન આપીશ. ગયા સપ્તાહમાં સુનાકે બ્રિટિશ કેન્સર ડાયગ્નોસ્ટિક્સ કંપની ઓક્સફર્ડ બાયોડાયનેમિક્સની લેબોરેટરીમાં નવા બ્લડ ટેસ્ટ અંગે સંશોધન કરી રહેલા કર્મચારીઓ સાથે મુલાકાત કરી હતી. આ નવો બ્લડ ટેસ્ટ 94 ટકા એક્યુરસી સાથે પ્રોસ્ટેટ કેન્સરનું નિદાન કરે છે.
રિશી સુનાકે જણાવ્યું હતું કે, હું નિદાન અને સારવારને ક્રાંતિકારી બનાવવા ચેરિટીના મિશનમાં સહાય કરવા ઇચ્છું છું. ઘણા પુરુષો જીપીની મુલાકાત લેવાના બદલે એમ માનતા હોય છે કે આ દુઃખાવો મટી જશે અને તેથી જ યુકેમાં પુરુષોમાં સૌથી વધુ નિદાન થતું પ્રોસ્ટેટ કેન્સર છે.
રિશી સુનાકે જણાવ્યું હતું કે આપણે આ દિશામાં ઘણા કામ કરી શકીએ છીએ. હું વડાપ્રધાન હતો ત્યારે આ ટેસ્ટની ટ્રાયલ માટે ફંડ ઉપલબ્ધ કરાવ્યું હતું. રોગનું વહેલું નિદાન થાય તો જીવન બચાવી શકાય છે. ચેરિટી ખાતેની મારી કામગીરીથી વધુ પુરુષો ટેસ્ટ કરવા માટે પ્રોત્સાહિત થશે. જેથી બિનજરૂરી મોત અટકાવી શકાય.