લંડનઃ પૂર્વ વડાપ્રધાન રિશી સુનાકે ગોલ્ડમેન સાશ ખાતે સીનિયર એડવાઇઝર તરીકેની ભુમિકાનો સ્વીકાર કર્યો છે. જુલાઇ 2024માં સંસદની ચૂંટણીમાં પરાજય બાદ વડાપ્રધાનપદેથી રાજીનામુ આપનાર સુનાક ગોલ્ડમેન સાશ ખાતે બેન્કના ક્લાયન્ટને સલાહ આપવાનું પાર્ટટાઇમ કામ કરશે. હાલ સુનાક રિચમન્ડ મતવિસ્તારના સાંસદ પણ છે. રાજનીતિમાં પ્રવેશ્યા પહેલાં 2000ના દાયકાના પ્રારંભિક વર્ષોમાં રિશી સુનાક ગોલ્ડમેન સાશ ખાતે જ એનાલિસ્ટ તરીકે કામ કરતા હતા.
ગોલ્ડમેન સાશના ચેરમેન ડેવિડ સોલોમને જણાવ્યું હતું કે, હું રિશી સુનાકને કંપનીમાં આવકારવા ઘણો ઉત્સુક છું. તેઓ અમારા ક્લાયન્ટ્સને સલાહ આપવાની સાથે વિશ્વભરમાં અમારા લોકોને પણ માર્ગદર્શન આપશે. રિશી સુનાકને આ કામ પેટે મળનારું વેતન તેમના દ્વારા સ્થાપિત ચેરિટી રિચમન્ડ પ્રોજેક્ટને દાન કરી દેવાશે. રિશી સુનાક અને તેમની પત્ની અક્ષતા મૂર્તિએ સમગ્ર યુકેમાં ગાણિતિક જ્ઞાન સુધારવા માટે આ વર્ષના પ્રારંભે આ ચેરિટીની સ્થાપના કરી હતી.