નવી દિલ્હીઃ પરિવાર સાથે ભારતનો પ્રવાસ કરી રહેલા યુકેના પૂર્વ વડાપ્રધાન રિશી સુનાકે ગયા મંગળવારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત લીધી હતી. મુલાકાત બાદ નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, રિશી સુનાક અને પરિવાર સાથે મુલાકાત કરીને ઘણો આનંદ થયો. અમે ઘણા મુદ્દા પર વિગતવાર ચર્ચા કરી હતી. રિશી સુનાક ભારતના મહાન મિત્ર છે અને તેઓ ભારત અને યુકે વચ્ચેના સંબંધ મજબૂત બનાવવા ઘણા ઉત્સાહી છે.
રિશી સુનાકે પણ એક સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે, મારા મિત્ર નરેન્દ્ર મોદીને મળીને ઘણો આનંદ થયો. મને અને મારા પરિવારને ઉષ્માસભર આવકાર આપવા માટે તેમનો આભાર માનુ છું. હું ભારત માટેના તેમના વિઝન અંગે જાણવા હંમેશા ઉત્સુક રહું છું. ભારત અને યુકે વચ્ચેના સંબંધ ઉત્તરોતર મજબૂત બને તે પણ અત્યંત મહત્વનું છે.
રિશી સુનાક અને તેમના પરિવારે ભારતના સંસદ ભવનની પણ મુલાકાત લીધી હતી. લોકસભા સચિવાલયે જણાવ્યું હતું કે, રિશી સુનાકે તેમના પત્ની અક્ષતા મૂર્તિ, દીકરીઓ ક્રિશ્ના અને અનુષ્કા સાથે સંસદ ભવનની મુલાકાત લીધી હતી. તેમની સાથે રાજ્યસભાના સાંસદ અને તેમના સાસુ સુધા મૂર્તિ પણ જોડાયા હતા. લોકસભાના સેક્રેટરી જનરલ ઉત્પલ કુમાર સિંહે સુનાક પરિવારનો આવકાર કર્યો હતો. આ પ્રસંગે રાજ્યસભાના સેક્રેટરી જનરલ પી સી મોદી પણ હાજર રહ્યાં હતાં.
રિશી સુનાકે ભારતના નાણા પ્રધાન નિર્મલા સીતારામન સાથે પણ મુલાકાત કરી હતી અને માર્કેટ આધઆરિત આર્થિક સંબંધો મજબૂત બનાવવાના વિકલ્પો પર ચર્ચા કરી હતી.