રિશી સુનાક મે 2024માં જ સંસદની ચૂંટણી કરાવશે?

ઓટમ સ્ટેટમેન્ટ બાદ રાજકીય વતૃળોમાં ચર્ચાએ વેગ પકડ્યો

Tuesday 28th November 2023 10:47 EST
 
 

લંડનઃ ચાન્સેલર જેરેમી હન્ટ દ્વારા રજૂ કરાયેલા ઓટમ સ્ટેટમેન્ટ બાદ ચર્ચાએ વેગ પકડ્યો છે કે શું રિશી સુનાક સંસદની ચૂંટણી વહેલી કરાવશે. આમ તો સંસદની ચૂંટણી મોડામાં મોડી જાન્યુઆરી 2025 સુધીમાં કરાવી લેવી પડે. એવી ચર્ચા ચાલી રહી છે કે ડાઉનિંગ સ્ટ્રીટ ઓટમ 2024 એટલે કે ઓક્ટોબરમાં જ ચૂંટણી કરાવે. તેથી વહેલી ચૂંટણીનો અર્થ એ થયો કે મે 2024માં જ સંસદની ચૂંટણી કરાવી લેવાય.

કન્ઝર્વેટિવ પાર્ટી આગામી ઉનાળામાં એટલે કે મે 2024માં ચૂંટણી કરાવાનું પસંદ કરશે, શા માટે?કારણ કે ત્યાર પછી સ્થાનિક ચૂંટણીઓ આવી પડશે અને મતદારો સતત બે ચૂંટણી ઇચ્છતા હોતા નથી. તાજેતરના ભૂતકાળમાં આ રીતે બે વાર વહેલી ચૂંટણી યોજવામાં આવી હતી. થેરેસા મેએ 2017માં અને બોરિસ જોન્સને 2019માં ચૂંટણી કરાવી હતી.

ઓટમ સ્ટેટમેન્ટમાં સરકારે નેશનલ ઇન્શ્યુરન્સના મુખ્ય દરમાં બે ટકાનો મોટો ઘટાડો તો કર્યો છે પરંતુ તેનો અમલ 6 જાન્યુઆરીથી કરવાની જાહેરાત કરી છે. સામાન્ય રીતે ઓટમ સ્ટેટમેન્ટમાં કરાતા ટેક્સ બદલાવોનો અમલ એપ્રિલથી કરાય છે. તેનો અર્થ એ થયો આગામી ઉનાળાના મહિનાઓ પહેલાંથી કરદાતાઓને આ રાહત મળતી થઇ જશે. જે ટોરીઝની તરફેણમાં ચુકાદો લાવી શકે છે. તેથી જ એવી અટકળો ચાલી રહી છે કે સરકાર મે 2024માં જ ચૂંટણીઓ કરાવી દે.

ટેક્સમાં રાહત બાદ ટોરીઝની લોકપ્રિયતામાં વધારો

ઓટમ સ્ટેટમેન્ટમાં ટેક્સમાં રાહત અપાયા બાદ ટોરીઝની લોકપ્રિયતામાં જોરદાર ઉછાળો આવ્યો છે. મતદારોએ જેરેમી હન્ટ દ્વારા અપાયેલી રાહતને વ્યાપક આવકાર મળી રહ્યો છે. ટાઇમ્સના એક સરવેમાં જાણવા મળ્યું હતું કે, ઓટમ સ્ટેટમેન્ટ બાદ ટોરીઝની લોકપ્રિયતામાં 4 પોઇન્ટનો મોટો ઉછાળો આવ્યો છે. ટોરીઝની લોકપ્રિયતા 25 પોઇન્ટ પર પહોંચી છે. જોકે લેબર પાર્ટી હજુ ટોરીઝ પર 19 પોઇન્ટની લીડ ધરાવે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter