લંડનઃ પૂર્વ વડાપ્રધાન રિશી સુનાક યુકે અને અમેરિકાની યુનિવર્સિટીઓમાં સેવા આપશે. તેઓ આ બંને યુનિવર્સિટીમાં અભ્યાસ પણ કરી ચૂક્યા છે. સુનાકે જણાવ્યું હતું કે, તેઓ ઓક્સફર્ડ યુનિવર્સિટીની બ્લાવતનિક સ્કૂલ ઓફ ગવર્મેન્ટના વર્લ્ડ લીડર સર્કલમાં મેમ્બર તરીકે જોડાશે. તો અમેરિકાના કેલિફોર્નિયા ખાતેની સ્ટેનફોર્ડ યુનિવર્સિટીની થિન્ક ટેન્ક હૂવર ઇન્સ્ટિટ્યુશન ખાતે વિઝિટિંગ ફેલોશિપ તરીકે પણ સેવા આપવાના છે. આ એજ સંસ્થા છે જ્યાં સુનાક અને અક્ષતા મૂર્તિ વચ્ચે પહેલીવાર મુલાકાત થઇ હતી.
ઓક્સફર્ડ યૂનિવર્સિટીમાં ફિલોસોફી, પોલિટિક્સ અને ઇકોનોમિક્સ તેમજ સ્ટેનફોર્ડમાં બિઝનેસ એડમિનિસ્ટ્રેશનનો અભ્યાસ કરનાર સુનાકે જણાવ્યું હતું કે, આ બંને સંસ્થા સાથે સંકળાવાથી હું ઘણો ખુશ છું.
તેમણે જણાવ્યું હતું કે, આર્થિક અને સુરક્ષાના પડકારો સામે આ બંને સંસ્થા શ્રેષ્ઠ કામગીરી કરી રહી છે. હું આ બંને સંસ્થા સાથે ગાઢ લાગણીથી જોડાયેલો છું. તેમણે મારી કારકિર્દી અને જીવનનું ઘડતર કર્યું છે. હું આગામી સમયમાં તેમના દ્વારા થનારા રિસર્ચમાં યોગદાન આપવા માગુ છું.


