લંડન
ભારત પર 200 કરતાં વધુ વર્ષ સુધી શાસન કરનાર બ્રિટનના વડાપ્રધાનપદ પર ભારતીય મૂળની વ્યક્તિ આરૂઢ થવા જઇ રહી છે. 44 દિવસના ટૂંકાગાળા બાદ વડાપ્રધાનપદેથી લિઝ ટ્રસના રાજીનામા પછી ટોરી પાર્ટીની નેતાગીરીની રેસમાં ભારતીય મૂળના રિશી સુનાકે તેમના નજીકના સ્પર્ધક એવા પૂર્વ પીએમ બોરિસ જ્હોન્સન અને પેની મોરડૌન્ટને પછડાટ આપી હતી. દીવાળીના શુભ અવસરે રિશી સુનાક વડાપ્રધાનપદે બિનહરીફ ચૂંટાઇ આવ્યા હતા. તેમને ટોરી પાર્ટીના 200 સાંસદોનું સમર્થન હાંસલ થયું હતું. આ સાથે રિશી સુનાક બ્રિટનના સૌપ્રથમ બિનગોરા હિન્દુ વડાપ્રધાન બનવાની સાથે સાથે સૌથી યુવાનવયના વડાપ્રધાન બની ગયાં છે. તેમના પહેલા 1997માં ટોની બ્લેર અને 2010માં ડેવિડ કેમેરૂન સૌથી યુવા વયે વડાપ્રધાન બન્યાં હતાં.
ટોરી પાર્ટીના નેતૃત્વ માટેની રેસમાં 100 સાંસદોનું સમર્થન મેળવવામાં નિષ્ફળ ગયેલા પૂર્વ પીએમ બોરિસ જ્હોન્સને મુકાબલા પહેલાં જ હાર માનીને રેસમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું. જેના પગલે પ્રીતિ પટેલ અને નદીમ ઝહાવી સહિતના બોરિસ સમર્થકો પણ સુનાકની તરફેણમાં ખુલે સામે આવી ગયાં હતાં. પેની મોરડૌન્ટ પણ 100 સાંસદોનું સમર્થન હાંસલ કરવામાં નિષ્ફળ જતાં રેસમાં ઉમેદવારી નોંધાવી શક્યાં નહોતાં તેથી રિશી સુનાકને બિનહરીફ વિજેતા જાહેર કરાયાં હતાં.
49 દિવસના અંધાધૂંધીભર્યા કાર્યકાળ બાદ 25મી ઓક્ટોબરે લિઝ ટ્રસે બકિંગહામ પેલેસે ખાતે કિંગ ચાર્લ્સ ત્રીજાને પોતાનું રાજીનામુ સુપ્રત કર્યા બાદ ટોરી પાર્ટીના નવા વરાયેલા નેતા રિશી સુનાકે કિંગ ચાર્લ્સ સાથે મુલાકાત કરી હતી. પરંપરાગત કિસિંગ હેન્ડ સેરેમની બાદ કિંગ ચાર્લ્સે વિધિવત રીતે રિશી સુનાકને સરકારની રચનાનું આમંત્રણ આપ્યું હતું. આ સાથે રિશી સુનાક બ્રિટનના 57મા વડાપ્રધાન નિયુક્ત કરાયાં છે. કિંગ ચાર્લ્સ સાથેની મુલાકાતમાં રિશી સુનાક સાથે તેમના પત્નીને બદલે એક સહાયક હાજર રહ્યા હતા.
બેન્જામિન ડિઝરાયેલી બાદ સુનાક બીજા માઇનોરિટી સમુદાયના વડાપ્રધાન
રિશી સુનાક બ્રિટનના બીજા માઇનોરિટી સમુદાયના વડાપ્રધાન બન્યા છે. આ પહેલાં 1874માં યહૂદી સમુદાયના બેન્જામિન ડિઝરાયેલી બ્રિટનના વડાપ્રધાન બન્યા હતા. 1874 પછી પહેલીવાર બ્રિટનમાં લઘુમતી સમુદાયની વ્યક્તિ વડાપ્રધાન બની રહી છે.
રિશી સુનાક બ્રિટનના સૌથી યુવા વડાપ્રધાન
બ્રિટનના આધુનિક રાજકીય ઇતિહાસમાં રિશી સુનાક સૌથી યુવા વડાપ્રધાન બની રહ્યાં છે. 42 વર્ષીય સુનાકે 2010માં 43 વર્ષની વયે વડાપ્રધાન બનેલા ડેવિડ કેમેરૂનનો સૌથી યુવા વડાપ્રધાનનો રેકોર્ડ તોડી નાખ્યો છે. તે પહેલાં 1997માં ટોની બ્લેર 43 વર્ષની વયે બ્રિટનના સૌથી યુવા વડાપ્રધાન બન્યા હતા. તાજેતરમાં રાજીનામુ આપનારા લિઝ ટ્રસની ઉંમર 47 વર્ષ હતી. આ પહેલાં 1900થી અત્યાર સુધીમાં ફક્ત બે વડાપ્રધાન 50 વર્ષથી ઓછી વયના હતા. 1990માં 47 વર્ષીય જોન મેજર અને 1964માં 48 વર્ષીય હેરોલ્ડ વિલ્સન વડાપ્રધાન બન્યાં હતાં.


