લંડનઃ યુકેના પૂર્વ વડાપ્રધાન રિશી સુનાક ટેક જાયન્ટ કંપનીઓ માઇક્રોસોફ્ટ અને એન્થ્રોપિકના સલાહકાર નિયુક્ત થયા છે. આ કામગીરી માટે તેમને મહેનતાણું પણ ચૂકવાશે. સુનાક બંને કંપનીઓને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પોલીસી અને ગ્લોબલ સ્ટ્રેટજી પર સલાહ આપશે. આ બંને કંપની સુનાકના વડાપ્રધાન તરીકેના અનુભવનો લાભ મેળવશે.
જોકે યુકેની એડવાઇઝરી કમિટી ઓન બિઝનેસ એપોઇન્ટમેન્ટ્સ દ્વારા સુનાક પર ચોક્કસ નિયંત્રણો લદાયા છે. જે અંતર્ગત તેઓ આ બંને કંપની વતી યુકે સરકારમાં લોબિંગ કરી શકશે નહીં. વડાપ્રધાન તરીકેના કાર્યકાળમાં મેળવેલી સિક્રેટ માહિતીનો ઉપયોગ કંપનીઓના લાભ માટે કરી શકશે નહીં અને યુકેની રેગ્યુલેટરી બાબતોથી દૂર રહેશે.


