રિશી સુનાકની લોકપ્રિયતામાં વધારો પણ લેબર પાર્ટી હજુ હોટ ફેવરિટ

સુનાકની લોકપ્રિયતામાં પાંચ ટકાનો વધારો, કિર સ્ટાર્મેરની પ્રતિષ્ઠાનું ધોવાણ

Tuesday 11th April 2023 13:42 EDT
 
 

લંડન

માર્ચના છેલ્લા સપ્તાહમાં કરાયેલા એક સરવે પ્રમાણે રિશી સુનાકની લોકપ્રિયતામાં વધારો થયો છે પરંતુ મતદારોના સંદર્ભમાં લેબર પાર્ટીએ મોટી લીડ હાંસલ કરી લીધી છે. બ્રિટિશ જનતામાં કન્ઝર્વેટિવ પાર્ટીની સરકારના રેકોર્ડ અંગેની નકારાત્મક ધારણાઓ હજુ પ્રવર્તી રહી છે. સરકારના નેતૃત્વ અંગે રિશી સુનાકની કામગીરીથી બ્રિટિશ મતદારો સંતુષ્ટ છે જ્યારે કિર સ્ટાર્મેરની પ્રતિષ્ઠાનું ધોવાણ થઇ રહ્યું છે.

32 ટકા લોકોએ સુનાકની વડાપ્રધાન તરીકેની કામગીરી પર સંતોષ વ્યક્ત કર્યો છે જે પાચ ટકાનો વધારો દર્શાવે છે જ્યારે 54 ટકાએ અસંતોષ વ્યક્ત કર્યો છે. જે પાંચ ટકાનો ઘટાડો દર્શાવે છે. લેબર લીડર તરીકે કિર સ્ટાર્મેરની કામગીરી અંગે 31 ટકા લોકોએ સંતોષ વ્યક્ત કર્યો છે જે 3 ટકાનો ઘટાડો દર્શાવે છે જ્યારે પાંચ ટકાના વધારા સાથે 51 ટકા લોકોએ તેમની કામગીરી પર અસંતોષ વ્યક્ત કર્યો છે.

સુનાકની કામગીરી પર સંતોષ વ્યક્ત કરનારા કન્ઝર્વેટિવ સભ્યોની સંખ્યામાં પણ વધારો થઇ રહ્યો છે. ગયા મહિનાની સરખામણીમાં 10 ટકાના વધારા સાથે 75 ટકા સભ્યોએ સુનાકની કામગીરીને બિરદાવી છે જ્યારે 15 ટકાએ અસંતોષ વ્યક્ત કર્યો હતો જે 11 ટકાનો ઘટાડો દર્શાવે છે. બીજીતરફ લેબર પાર્ટીના સમર્થકો સ્ટાર્મેરની કામગીરીથી ખુશ નથી. ફક્ત 48 ટકાએ સંતોષ વ્યક્ત કર્યો છે જે 8 ટકાનો ઘટાડો દર્શાવે છે જ્યારે વધુ 16 ટકા લેબર સમર્થકો સ્ટાર્મેરથી નાખુશ થઇ ગયાં છે. 45 ટકાએ સ્ટાર્મેરની સામે અસંતોષ દર્શાવ્યો હતો.

37 ટકા બ્રિટનની જનતા એમ માને છે કે રિશી સુનાક સૌથી સક્ષમ વડાપ્રધાન છે જ્યારે 36 ટકા સ્ટાર્મેરને સમર્થન આપે છે. જાન્યુઆરી 2023માં સ્ટાર્મેર 39 ટકા અને સુનાક 33 ટકા મતદારોનું સમર્થન ધરાવતા હતા. 43 ટકા બ્રિટિશર સુનાકને પસંદ કરે છે જ્યારે 49 ટકા પસંદ કરતા નથી. 37 ટકા બ્રિટિશર સ્ટાર્મેરને પસંદ કરેછએ જ્યારે બાવન ટકા પસંદ કરતા નથી.

કન્ઝર્વેટિવ સરકારની કામગીરી

-     77 ટકા જનતા કન્ઝર્વેટિવ સરકારની કામગીરીથી ખુશ નથી

-     62 ટકા જનતા માને છે કે આ સરકાર કામ કરવામાં સક્ષમ નથી

કન્ઝર્વેટિવ પાર્ટી અંગે મંતવ્ય

-     25 ટકા જનતાની પસંદ, 67 ટકા કન્ઝર્વેટિવ પાર્ટીને પસંદ કરતી નથી

-     47 ટકા જનતા લેબર પાર્ટીને પસંદ કરે છે, 42 ટકા નારાજ

-     69 ટકા માને છે કે ચૂંટણી જીતવા કન્ઝર્વેટિવ ગમે તેવા વચનો આપે છે


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter