રિશી સુનાકની વડાપ્રધાનપદે વરણીની હિન્દુજાની દીવાળી પાર્ટીમાં ધામધૂમથી ઉજવણી

કિંગ ચાર્લ્સ ત્રીજાએ હિન્દુજા પરિવારને વિશેષ દીવાળી સંદેશો પાઠવ્યો, આજની સ્થિતિ મને મારા મૂવી અમર-અકબર-એન્થનીની યાદ અપાવી રહી છે – જી પી હિન્દુજા

Wednesday 02nd November 2022 05:12 EDT
 
 

લંડન

બ્રિટનના તમામ સમુદાયો અને ધર્મો પ્રત્યેની પ્રતિબદ્ધતાની પ્રશંસા કરતા કિંગ ચાર્લ્સ ત્રીજાએ હિન્દુજા પરિવારને દીવાળીનો વિશેષ સંદેશો પાઠવ્યો હતો. 26મી ઓકટોબરે 14 કાર્લટન હાઉસ ખાતે હિન્દુજા પરિવાર દ્વારા આયોજિત દીવાળીની ઉજવણીમાં કિંગ ચાર્લ્સના પ્રિન્સિપલ પ્રાઇવેટ સેક્રેટરી આ સંદેશો લઇને પહોંચ્યા હતા. આ ઉજવણીમાં મોટી સંખ્યામાં લોર્ડ્સ, સાંસદો, બિઝનેસ લીડર્સ અને 22 દેશોના રાજદૂતો સહિત 200 કરતાં વધુ મહાનુભાવ હાજર રહ્યાં હતાં. આ પ્રસંગે દીવાળીની શુભેચ્છાની આપ-લે સાથે રિશી સુનાકની વડાપ્રધાનપદે કરાયેલી વરણીને ગૌરવ સાથે વધાવી લેવાઇ હતી.

મહેમાનોનું સ્વાગત કરતા હિન્દુજા ગ્રુપના કો-ચેરમેન ગોપીચંદ હિન્દુજાએ જણાવ્યું હતું કે, હું પૈસામાં વિશ્વાસ કરતો નથી. તમે લોકોની મદદ કરીને આશીર્વાદ પ્રાપ્ત કરો છો એજ સાચી સંપત્તિ છે. આજની સ્થિતિ મને મારી મૂવી અમર –અકબર-એન્થનીની યાદ અપાવી રહી છે. આજે બ્રિટનમાં કિંગ ખ્રિસ્તી, પ્રાઇમ મિનિસ્ટર હિન્દુ અને લંડનના મેયર મુસ્લિમ છે.

ગોપીચંદ હિન્દુજાએ જણાવ્યું હતું કે, લક્ષ્મીનો અર્થ સંપત્તિથી વધુ આરોગ્ય છે. હું લક્ષ્મીમાતાને વિશ્વમાં શાંતિની સ્થાપનાની અપીલ કરું છું. એકતા કોઇપણ પરિવારની શક્તિ છે. આજે અમારી પાસે જે કાંઇ છે તે મારા ભાઇઓ અશોક, પ્રકાશ અને એસપીના કારણે છે. છેલ્લા 6 વર્ષથી અમે બધા ભાઇઓ તમામ ધર્મ પર આધારિત એક પુસ્તક પર કામ કરી રહ્યાં છીએ. અમે અનુભવી શક્યાં છીએ કે તમામ ધર્મ એકસમાન છે. એક જ પરમેશ્વર છે. આવો આપણે પરમેશ્વરને પ્રાર્થના કરીએ કે વિશ્વ સમક્ષના તમામ પડકારોનો ઉકેલ આવે અને દરેક સુખમય જીવન પ્રાપ્ત કરે.

આ પ્રસંગે લંડનના મેયર સાદિક ખાને દીવાળીની શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે, આપણા દેશને સૌપ્રથમ હિન્દુ વડાપ્રધાન મળ્યા તેની ઉજવણી કરવાનો સમય છે. તેઓ મારા અને વંશીય લઘુમતી માતા-પિતાઓના બાળકો માટે રોલ મોડેલ બની રહેશે. જીપીએ જણાવ્યું તેમ આપણો દેશ અમર-અકબર-એન્થની ટુ માટે તૈયાર છે. આપણા દેશમાં કેટલાક વિભાજનવાદી તત્વો છે જે આપણને વિભાજિત કરવાનો પ્રયાસ કરે છે પરંતુ તેમને સફળ થવા દેશો નહીં. લંડન વિશ્વનું મહાન શહેર છે. તેને મહાન બનાવવામાં લંડનમાં રહેતા હિન્દુઓનું પણ મોટું યોગદાન છે. બ્રિટનના અડધાથી વધુ હિન્દુ લંડનમાં વસે છે.

લોર્ડ તારીક એહમદે જણાવ્યું હતું કે, આજે મેં વડાપ્રધાન દ્વારા આયોજિત પહેલા કાર્યક્રમમાં હાજરી આપી અને તે તો દીવાળીની ઉજવણી હતી. તેમણે દીપ પ્રગટાવ્યો હતો જે દર્શાવે છે કે કેવી રીતે પ્રકાશ અંધકાર પર અને પ્રેમ ધિક્કાર પર વિજયી બને છે. આ પ્રસંગે કન્ઝર્વેટિવ પાર્ટી ચેરમેન નદીમ ઝહાવી, પૂર્વ હેલ્થ સેક્રેટરી મેટ હેનકોક, લિબરલ ડેમોક્રેટિક પાર્ટીના નેતા સર એડ ડેવીએ દીવાળીની શુભેચ્છા પાઠવી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter