લંડન
રિશી સુનાકનો રાજકિય ઉદય આંખના પલકારામાં થયો હતો.ફક્ત સાત વર્ષની રાજકિય સફરમાં તે સાંસદથી વડાપ્રધાન પદ સુધી પહોંચી ગયા હતા. સુનાકના પ્રશંસકો તેમની કાબેલિયતને આ સફળતા માટે શ્રેય આપે છે ત્યારે તેમના સાસુમા અલગ જ સૂર રેલાવી રહ્યાં છે. ભારતમાં તેમના સાસુ સુધા મૂર્તિએ કેટલીક ટિપ્પણીઓ કરી હતી જે હાલ સોશિયલ મીડિયા પર જોવા મળી રહી છે. તેમનું કહેવું છે કે મારી દીકરી અક્ષતાએ ન કેવળ રિશી સુનાકની ખાવા-પીવાની આદતો સુધારી છે પરંતુ તેમને વડાપ્રધાન પણ બનાવ્યા છે.
એન્જિયનિયરિંગ અને કોમ્પ્યુટર સાયન્સમાં ડિગ્રીઓ હાંસલ કરી ભારતની સૌથી મોટી કંપનીઓ પૈકીની એક ટાટામાં પ્રથમ મહિલા ઇજનેર તરીકે કામ કરનાર સુધા મૂર્તિ કહે છે કે ઘણા લાંબા સમયથી હું અને મારો પરિવાર દર ગુરુવારે ઉપવાસ કરીએ છીએ. મારી દીકરીએ જમાઇ અમારા પરિવારની આ પરંપરા વિશે જણાવ્યું ત્યારે તેમને આ અંગે કોઇ ખબર નહોતી. તેમણે પણ ગુરુવારે ઉપવાસ કરવાનું શરૂ કરી દીધું હતું. તમે એક મહિલાની ક્ષમતા જોઇ શકો છો.
સુધા મૂર્તિ કહે છે કે હું મારા પતિને બિઝનેસમેન બનાવવામાં સફળ રહી પરંતુ મારી દીકરીએ તેના પતિને યુકેના વડાપ્રધાન બનાવવામાં સફળતા પ્રાપ્ત કરી છે.


