લંડનઃ પૂર્વ વડાપ્રધાન રિશી સુનાકને તેઓ સત્તા પર હતા ત્યારે જૂન 2024માં રેસિસ્ટ ટિપ્પણી કરી મારી નાખવાની ધમકી આપનાર મર્સિસાઇડના બિર્કેનહેડના લિયામ શોને 14 સપ્તાહ કેદની સજા ફટકારવામાં આવી છે. લિયામ શોએ રિશી સુનાકને ઇમેલ મોકલીને રેસિસ્ટ ટિપ્પણીઓ સાથે હત્યાની ધમકી આપી હતી. યુકેની ક્રાઉન પ્રોસિક્યુશન સર્વિસે જણાવ્યું હતું કે, શોએ સુનાકને બે વાર ધમકી આપી હતી.
રિશી સુનાકની આસિસ્ટન્ટે ઇમેલ જોયા બાદ પોલીસને જાણ કરી હતી. સિનિયર ક્રાઉન પ્રોસિક્યુટર મેથ્યૂ ડિક્સને જણાવ્યું હતું કે, લિયામ શોએ દેશના સર્વોચ્ચ હોદ્દા પર બેઠેલી વ્યક્તિને ધમકીભર્યો મેસેજ કર્યો હતો. આજના યુગમાં રેસિસ્ટ ટિપ્પણીઓને કોઇ સ્થાન નથી.
પોલીસે 3 સપ્ટેમ્બર 2024ના રોજ બિર્કેનહેડની એક હોસ્ટેલમાંથી શોની ધરપકડ કરી હતી. તેણે દલીલ કરી હતી કે મેં કદાચ શરાબના નશામાં ઇમેલ મોકલ્યો હશે.

