લંડન
વડાપ્રધાન રિશી સુનાકે ચાઇલ્ડ કેર કંપનીમાં તેમની પત્નીના શેરહોલ્ડિંગની વિગતો જાહેર કરી છે. આ કંપનીને સરકારની નવી નીતિના કારણે લાભ પહોંચ્યો હોવાનો આરોપ મૂકવામાં આવી રહ્યો છે. અક્ષતા મૂર્તિએ ચાર વર્ષ પહેલાં આ કંપનીમાં મૂડીરોકાણ કર્યું હતું. મિનિસ્ટર્સ ઇન્ટરેસ્ટ્સના નવા રજિસ્ટરની ફૂટનોટમાં પોતાની એન્ટ્રીમાં રિશી સુનાકે તેમની પત્ની દ્વારા કરાયેલા સીધા મૂડીરોકાણોની માહિતી આપી છે જેમાં કોરુ કિડ્સ કંપનીમાં કરેલા રોકાણની પણ માહિતી અપાઇ છે. કોરુ કિડ્સ ચાઇલ્ડમાઇનર્સ બનવા માટે લોકોને લાભ આપતી પાયલટ સ્કીમમાં સામેલ 6 પૈકીની એક કંપની છે.
પારિવારિક હિતોની જાહેરાત કરતાં સુનાકે જણાવ્યું છે કે તેમની પત્ની કેપિટલ ઇન્વેસ્ટર છે અને સંખ્યાબંધ રોકાણો ધરાવે છે. તે પોતાની વેન્ચર કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ કંપની કેટામારન વેચર્સ યુકે લિમિટેડ ધરાવે છે. અત્રે ઉલ્લેખનિય છે કે અક્ષતા મૂર્તિના કોરુ કિડ્સમાં રોકાણના કારણે હિતોના ટકરાવના મુદ્દે રિશી સુનાક સામે પાર્લામેન્ટરી સ્ટાન્ડર્ડ્સ કમિશ્નર દ્વારા તપાસ હાથ ધરાઇ છે.
અપાર સંપત્તિના આધારે મારું મૂલ્યાંકન ન કરો – રિશી સુનાક
રિશી સુનાકે એક શાળાના વિદ્યાર્થીઓને જણાવ્યું હતું કે અમારી અપાર સંપત્તિના આધારે અમારું મૂલ્યાંકન કરશો નહીં. સ્કાય કિડ્સ ન્યૂઝ શોના ઇન્ટર્વ્યુમાં સુનાકે સમગ્ર યુકેમાંથી વિદ્યાર્થીઓ દ્વારા પૂછાયેલા સવાલોના જવાબ આપ્યા હતા. તેમને સવાલ કરાયો હતો કે આ વખતનો શિયાળો ઘણો આકરો રહ્યો હતો. તમે આટલા અમીર છો ત્યારે ગરીબ પરિવારોને કેવી મદદની જરૂર છે તે તમે કેવી રીતે જાણી શકો?


