રીટેઈલર્સને બિનખાદ્ય વેચાણોમાં £૨૨ બિલિયનની જંગી ખોટ

Friday 19th February 2021 04:12 EST
 
 

લંડનઃ યુકેમાં ૨૦૨૦ના કોવિડ લોકડાઉન્સમાં બિનખાદ્ય વેચાણોમાં ૨૨ બિલિયન પાઉન્ડની ખોટ જવાથી હાઈ સ્ટ્રીટ રીટેઈલર્સે મોટા પાયે નાણાકીય સહાયના પેકેજની માગણી કરી છે. વેપારસંસ્થા બ્રિટિશ રીટેઈલ કોન્સોર્ટિયમ (BRC)ના આંકડા અનુસાર ખરીદારોની સંખ્યામાં બે પંચમાંશનો ઘટાડો થવા સાથે બિનખાદ્ય સ્ટોર્સના વેચાણોમાં ૨૪ ટકાનો વિક્રમી ઘટાડો જણાયો હતો. ઘણા રીટેઈલર્સે ઓનલાઈન વેચાણો કર્યા હોવાં છતાં, શોપ્સમાંથી થતાં વેચાણો સરભર કરી શકાયા ન હતા. હોમ ડિલિવરીની વ્યવસ્થાની ગોઠવણ અને સંચાલન ખર્ચાથી પણ નફાને ભારે અસર થઈ હતી.

દેશમાં સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારોમાં એક સેન્ટ્રલ લંડન હતું જ્યાં, પર્યટકો અને રોજિંદા પ્રવાસીઓની ગેરહાજરીએ દુકાનો અને હાઈ સ્ટ્રીટના અન્ય બિઝનેસીસ બંધ થવામાં મોટો ફાળો આપ્યો હતો. વર્કર્સ અને વિઝિટર્સની સંખ્યા ઘટવાથી સિટી ઓફ લંડનમાં ગયા વર્ષે બંધ યુનિટ્સની સંખ્યામાં ૪૭ ટકાનો વધારો થયો હોવાનું લોકલ ડેટા કંપનીના વિશ્લેષણમાં બહાર આવ્યું છે.

સિટીના ટેઈકઅવે ફૂડ આઉટલેટ્સ, બાર્સ, પબ્સ અને કોફી શોપ્સ તેમજ સ્પેશિયાલિસ્ટ શર્ટમેકર્સને સૌથી વધુ અસર પહોંચી હતી. જોકે, સ્ક્વેર માઈલમાં ખાલી હાઈ સ્ટ્રીટ આઉટલેટ્સમાં તીવ્ર વધારો (૧૧.૪ ટકા ખાલી યુનિટ્સ) બાકીના ઈંગ્લેન્ડ, વેલ્સ અને સ્કોટલેન્ડના વિસ્તારો (૧૩.૭ ટકા ખાલી યુનિટ્સ)ની સરખામણીએ સારો ગણાવી શકાય.

રીટેઈલર્સને ગત એપ્રિલમાં અપાયેલા બિઝનેસ રેટ્સ હોલીડેથી લાભ મળ્યો છે પરંતુ, નવા બજેટમાં તે રાહત કદાચ પાછી ખેંચી લેવાવાની ચિંતા છે. રીટેઈલર્સ અને અન્ય હાઈ સ્ટ્રીટ બિઝનેસીસ જો ભાડાં ચૂકવી ન શકે તો તેમની પ્રોપર્ટીમાંથી હકાલપટ્ટી ન થઈ શકે તેવી જોગવાઈ પણ આગામી મહિને સમાપ્ત થવાની છે. સરકારે ગયા વર્ષે બિઝનેસ પ્રોપર્ટી ટેક્સનો રીવ્યૂ શરુ કર્યો હતો જેનો રિપોર્ટ સ્પ્રિંગમાં આવવાની શક્યતા છે. આ રીવ્યૂમાં વેબ સેલ્સ ટેક્સ દાખલ કરી ઓનલાઈન અને ફીઝીકલ શોપ્સ વચ્ચે સમતુલા ઉભી કરવા સહિતના વિકલ્પો વિચારાયા હોવાનું કહેવાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter