લંડનઃ ચાન્સેલર રાચેલ રીવ્ઝે સ્પ્રિંગ બજેટમાં ડિફેન્સ સેક્ટરને વધુ 2.2 બિલિયન પાઉન્ડ (2.8 બિલિયન ડોલર)ની ફાળવણી કરતાં કહ્યું છે કે તેઓ યુકેને ડિફેન્સ ઈન્ડસ્ટ્રીઅલ સુપરપાવર બનાવવા ઈચ્છે છે. ભૂરાજકીય તંગદિલી અને યુએસ પ્રમુખ ટ્રમ્પે યુરોપ પોતાની સલામતી અર્થે વધુ પગલાં લે તેવી હાકલ કર્યા પછી રીવ્ઝે જણાવ્યું છે કે તેઓ દેશના સંરક્ષણ ઉદ્યોગને ગતિશીલ બનાવવા નવી ટેકનોલોજીઓ અને ઈનોવેશન્સ પર ધ્યાન કેન્દ્રિત કરશે.
નવી યોજનાઓ હેઠળ સરકારના સંરક્ષણ સાધનસામગ્રી બજેટના 10 ટકા ડ્રોન્સ અને AI પર ભાર સાથે નવી ટેકનોલોજીઓ પાછળ ખર્ચાશે. આ ઉપરાંત, નાની કંપનીઓને ડિફેન્સ કોન્ટ્રાક્ટ્સ અપાશે. નવી ટેકનોલોજીને ઝડપથી ફ્રન્ટલાઈન્સ પર ગોઠવવા સરકારે 400 મિલિયન પાઉન્ડ ડિફેન્સ ઈનોવેશન માટે ફાળવણી કરી છે. રીવ્ઝે પોતાના સંબોધનમાં ડિફેન્સનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે વધુ અસુરક્ષિત વિશ્વમાં આ સેક્ટરને વધુ નાણાની ફાળવણી જરૂરી છે અને તેના થકી અર્થતંત્રને વ્યાપકપણે મદદ મળશે.