લંડનઃ ચાન્સેલર રેચલ રીવ્ઝે 26 નવેમ્બર બુધવારના રોજ આતુરતાથી રાહ જોવાતી હતી તે ઓટમ બજેટ હાઉસ ઓફ કોમન્સમાં રજૂ કર્યું હતું. ધારણા પ્રમાણે જ ચાન્સેલરે કરવેરામાં તોતિંગ વધારો કરતાં ઐતિહાસિક સ્તર પર પહોંચી ગયાં છે. સાથે સાથે ચાન્સેલરે બેનિફિટ્સ માટે રેકોર્ડ રકમની ફાળવણી પણ કરી છે. સરવાળે રેચલનું બજેટ નોકરીયાતો, બચતકર્તાઓ અને બિઝનેસોને મોટો ફટકો મારનારું છે.
ચાન્સેલરે બજેટમાં આગામી પાંચ વર્ષમાં કરવેરામાં 30 બિલિયન પાઉન્ડનો વધારો કરવાની જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું હતું કે, અછતના ચક્રનો અંત લાવવા માટે દેશના દરેક વ્યક્તિએ યોગદાન આપવું પડશે. રેચલના બજેટને કારણે કરબોજ રાષ્ટ્રીય આવકના 38 ટકા પર પહોંચી જશે જે યુકેના ઇતિહાસનો ઓલટાઇમ હાઇ બની રહેશે.
ચાન્સેલરે ઇન્કમ ટેક્સ થ્રેશહોલ્ડ પરનો સ્થગનાદેશ 2028 પછી પણ 3 વર્ષ લંબાવવાની જાહેરાત કરી છે. આ સ્ટીલ્થ ટેક્સના કારણે દર 4માંથી 1 કરદાતા એટલે કે 10.6 મિલિયન કરદાતા 2030 સુધી ઉચ્ચ દરે આવકવેરો ચૂકવતા રહેશે. આ સ્થગનાદેશના કારણે સરકારી તિજોરીને 12.7 બિલિયન પાઉન્ડની આવક થશે. જે પેન્શનરો ફુલ સ્ટેટ પેન્શન મેળવે છે તેમને પ્રથમવાર આવકવેરો ચૂકવવો પડશે.
ચાન્સેલરે પેન્શન યોગદાન પર નેશનલ ઇન્શ્યુરન્સ લાગુ કર્યો છે જેના પગલે નોકરીદાતાઓ, કર્મચારીઓને અસર પડશે. મોંઘી પ્રોપર્ટીઓ પર મેન્શન ટેક્સ અને ઇલેક્ટ્રીક કાર પર પે પર માઇલ ટેક્સ પણ કરદાતાઓને દઝાડશે.
ભાડાની આવક પર મકાનમાલિક દ્વારા ચૂકવાતા ટેક્સમાં 2 ટકાનો વધારો કરાયો છે જ્યારે 65 વર્ષથી નાના બચતકર્તા માટે ટેક્સ ફ્રી કેશ આઇએસએ એલાઉન્સ 20,000 પાઉન્ડથી ઘટીને 12,000 પાઉન્ડ થશે.
કરદાતાઓ પર બોજાની સાથે ચાન્સેલરે વેલ્ફેર માટે મોટી રકમની ફાળવણીની પણ જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું હતું કે, સરકાર વેલ્ફેર પાછળ 2030 સુધી પ્રતિ વર્ષ 16 બિલિયન પાઉન્ડની ફાળવણી કરશે. રીવ્ઝે એપ્રિલ 2026થી ટુ ચાઇલ્ડ બેનિફિટ કેપ હટાવી લેવાની જાહેરાત કરી પરિવારોને રાહત આપવાનો પ્રયાસ કર્યો છે. તે ઉપરાંત ડિસએબિલિટી બેનિફિટ્સ અને વિન્ટર ફ્યુઅલ પેમેન્ટમાં કાપ મૂકવાની યોજના પડતી મૂકીને રાહત આપી છે. તે ઉપરાંત એપ્રિલ 2026થી વિવિધ વયજૂથના લઘુત્તમ વેતનમાં 45 પેન્સથી 85 પેન્સ સુધીનો વધારો કરાયો છે. એપ્રિલથી સ્ટેટ પેન્શન પેમેન્ટમાં 4.8 ટકાનો વધારો થશે. રીવ્ઝે એપ્રિલ 2026થી એનર્જી બિલમાં 150 પાઉન્ડનો ઘટાડો કરવા, ફ્યુઅલ ડ્યુટી પાંચ મહિના માટે ફ્રીઝ કરવાના પણ વચન આપ્યાં છે. આ સંસદના અંત સુધીમાં ટોટલ વેલ્ફેર પેમેન્ટ 389 બિલિયન પાઉન્ડ સુધી વધે તેવો અંદાજ આપવામાં આવ્યો છે.
બજેટ એટ એ ગ્લાન્સ
લઘુત્તમ વેતન
21 કરતાં વધુ વયના વર્કર્સનું લઘુત્તમ વેતન 12.71 પાઉન્ડ પ્રતિ કલાક કરાયું
0000000000
ટેક્સ પર સ્થગનાદેશ
ઇન્કમટેક્સ, નેશનલ ઇન્શ્યુરન્સ પર વર્ષ 2030 સ્થગનાદેશથી લાખો કરદાતાઓને ઊંચા દરે ટેક્સ ચૂકવવો પડશે
0000000
આલ્કોહોલ
ફુગાવાના દર પ્રમાણે આલ્કોહોલ પરની ડ્યુટીમાં વધારો
00000000
તમાકુ અને વેપ્સ
20 સિગારેટના પેકેટની કિંમત વધીને 17.74 પાઉન્ડ થશે, વેપિંગ પર નવો ટેક્સ
000000000
ફ્યુઅલ ડ્યુટી
ફ્યુઅલ ડ્યુટી હાલ પુરતી ફ્રિઝ પરંતુ આગામી વર્ષથી વધારો કરાશે
000000000
પરિવાર
ટુ ચાઇલ્ડ બેનિફિટ કેપ નાબૂદ, સરકાર પર 3 બિલિયન પાઉન્ડનો બોજો
000000000
પેન્શનર
આગામી વર્ષથી સ્ટેટ પેન્શનમાં 575 પાઉન્ડનો વધારો પરંતુ લાખો પેન્શનર કરજાળમાં આવી જશે
000000000
ગેમ્બલિંગ
રેસિંગ અને બુકીઓમાં બેટિંગને બાકાત રખાતા પન્ટરોને રાહત, ઓનલાઇન ગેમિંગ પર પ્રહાર
000000000
મેન્શન ટેક્સ
2 મિલિયન પાઉન્ડ કરતાં વધુની સંપત્તિ પર મેન્શન ટેક્સ વસૂલાશે
000000000
ઇલેક્ટ્રિક વ્હિકલ
ઇવી વાહનચાલકોએ 3 પેન્સ પ્રતિ માઇલનો રોડ ટેક્સ ચૂકવવો પડશે
000000000
ટેક્સ એલાઉન્સ
આઇએસએ કેશ લિમિટ ઘટાડીને 12000 પાઉન્ડ કરાઇ
000000000
એનર્જી
ઇલેક્ટ્રિક બિલ પરની ગ્રીન લેવી હટાવાતાં રાહત પરંતુ નવા પ્રોજેક્ટના ચાર્જ મુશ્કેલી વધારી શકે
000000000
રેલવે
રેલવે ભાડાં ફ્રીઝ કરાતાં આગામી સમયમાં બોજો નહીં વધે
000000000
વેકેશન
ફ્લાઇટ ટિકિટની કિંમતો વધશે, ઓવરનાઇટ સ્ટે પર નવી લેવી લદાશે
બજેટઃ વીનર્સ અને લૂઝર્સ
વીનર્સ
- પેટ્રોલ અને ડીઝલ વાહનચાલકો
- વીજળીનું બિલ ચૂકવનારા
- ઓછું વેતન ધરાવતા વર્કર્સ
- બેનિફિટ્સના દાવેદારો
લૂઝર્સ
- વર્કર્સ
- પેન્શનર્સ
- બચતકર્તાઓ
- ધુમ્રપાન કરનારા
- શરાબના શોખીન
- ઇવી વાહનચાલકો
કોના પર કેટલો કરબોજ
પર્સનલ ટેક્સ થ્રેશહોલ્ડ ફ્રીઝ - 8 બિલિયન પાઉન્ડ
અન્ય કરવેરા - 5.8 બિલિયન પાઉન્ડ
પેન્શન પર નેશનલ ઇન્શ્યુરન્સ, આઇએસએમાં બદલાવ - 4.7 બિલિયન પાઉન્ડ
પ્રોપર્ટી – બચતો – ડિવિડન્ડની આવક પર કર - 2.1 બિલિયન પાઉન્ડ
કોર્પોરેટ ટેક્સમાં બદલાવ - 1.5 બિલિયન પાઉન્ડ
ઇલેક્ટ્રીક કાર માઇલેજ ટેક્સ - 1.4 બિલિયન પાઉન્ડ
ગેમ્બલિંગ ટેક્સ - 1.1 બિલિયન પાઉન્ડ
કેપિટલ ગેઇન ટેક્સ - 0.9 બિલિયન પાઉન્ડ
મેન્શન ટેક્સ - 0.4 બિલિયન પાઉન્ડ


