લંડનઃ રુચિ ઘનશ્યામ યુકેમાં આગામી ભારતીય હાઈ કમિશનર તરીકે નિયુક્ત કરાયા હોવાની જાહેરાત ભારતના વિદેશ મંત્રાલય દ્વારા થઈ છે. તેઓ ૨૦૧૬માં યુકેમાં ભારતીય હાઈ કમિશનર તરીકે કાર્યરત વાય.કે. સિન્હાનું સ્થાન લેશે. ભારતની ૧૯૪૭માં આઝાદી પછી રુચિ ઘનશ્યામ યુકેમાં હાઈ કમિશનર વિજયાલક્ષ્મી પંડિત (૧૯૫૪-૧૯૬૧) પછી બીજા મહિલા હાઈ કમિશનર બનશે. યુકે યુરોપિયન યુનિયનમાંથી બહાર નીકળવાની પ્રક્રિયામાં છે તેવા મહત્ત્વપૂર્ણ સમયે તેમની નિયુક્તિ થઈ છે.
ચોથી એપ્રિલ ૧૯૬૦માં જન્મેલાં વરિષ્ઠ રાજદ્વારી રુચિ ઘનશ્યામ ભોપાલ યુનિવર્સિટીમાંથી સાયકોલોજીમાં માસ્ટર ડીગ્રી મેળવ્યાં બાદ ૧૯૮૨માં ભારતીય વિદેશી સેવામાં જોડાયાં હતાં. આજ વર્ષે ભારતીય વિદેશી સેવામાં જોડાયેલા એ.આર. ઘનશ્યામ સાથે તેમણે લગ્ન કર્યા છે. તેઓ બે પુત્રની માતા છે.
સાઉથ આફ્રિકામાં ભારતીય હાઈ કમિશનર તરીકે (ઓક્ટોબર ૨૦૧૪-એપ્રિલ ૨૦૧૭) કામગીરીની સાથોસાથ તેમણે લિસોથો કિંગ્ડમમાં પણ સફળ કામગીરી બજાવી હતી. તેમણે ૧૭ એપ્રિલ ૨૦૧૭થી વિદેશ મંત્રાલયમાં સેક્રેટરી (વેસ્ટ)નો હોદ્દો સંભાળ્યો હતો. તેમણે પોતાની રાજદ્વારી કારકીર્દિમાં વિદેશ મંત્રાલયમાં યુરોપ વેસ્ટ ડિવિઝનમાં જોઈન્ટ સેક્રેટરી અને એડિશનલ સેક્રેટરી તરીકે સેવા આપી હતી. તેમણે અગાઉ ઘાનામાં હાઈ કમિશનર (માર્ચ ૨૦૦૮-ઓક્ટોબર ૨૦૧૧), ન્યુ યોર્કમાં યુનાઈટેડ નેશન્સ ખાતે ભારતના કાયમી મિશનમાં મિનિસ્ટર (મે ૨૦૦૪-માર્ચ ૨૦૦૮) તેમજ દિલ્હી વડા મથકે ઓગસ્ટ ૨૦૦૦થી માર્ચ ૨૦૦૪ સુધી ડાયરેક્ટર (પાકિસ્તાન) તરીકે કાર્યભાર સંભાળ્યો હતો. આ ઉપરાંત, તેમણે બ્રસેલ્સ, બેલ્જિયમ, કાઠમાંડુ, નેપાળ અને દમાસ્કસની ભારતીય એમ્બેસીમાં પણ સેવા આપી છે.