રુચિ ઘનશ્યામ યુકેમાં ભારતીય હાઈ કમિશનરપદે નિયુક્ત

Monday 03rd December 2018 06:32 EST
 
 

લંડનઃ યુકેમાં નવા ભારતીય હાઈ કમિશનર તરીકે ઈન્ડિયન ફોરેન સર્વિસના ૧૯૮૨ની બેચના અધિકારી શ્રીમતી રુચિ ઘનશ્યામની નિયુક્તિ કરાઈ છે, જેઓએ નિવૃત્ત હાઈ કમિશનર વાય.કે. સિંહાનું સ્થાન સંભાળ્યું છે. ભારતીય હાઈ કમિશન, લંડન દ્વારા ૧૩ ડિસેમ્બર, ૨૦૧૮ના રોજ સાંજના ૦૫.૦૦ કલાકે મીડિયા રિસેપ્શનનું આયોજન કરવામાં આવ્યું છે. કેરિયર ડિપ્લોમેટ રુચિ ઘનશ્યામે વિદેશ મંત્રાલયમાં વિવિધ હોદ્દાઓ પર કામગીરી બજાવી છે.

હાઈ કમિશનર શ્રીમતી રુચિ ઘનશ્યામ એપ્રિલ ૨૦૧૭થી નવેમ્બર ૨૦૧૮ દરમિયાન વિદેશ મંત્રાલયમાં સેક્રેટરી (વેસ્ટ)ના હોદ્દા પર હતાં. તેમની ૩૬ વર્ષની રાજદ્વારી કારકીર્દિમાં ભારત સરકારના પ્રતિનિધિ તરીકે દમાસ્કસ, નેપાળ, બ્રસેલ્સ, ઈસ્લામાબાદ, ઘાના, યુએન (ન્યૂ યોર્ક) ખાતે વિવિધ પદ શોભાવ્યાં છે. તેમણે ઓક્ટોબર ૨૦૧૪થી એપ્રિલ ૨૦૧૭ સુધી સાઉથ આફ્રિકામાં ભારતીય હાઈ કમિશનર તરીકે પણ ફરજ બજાવી છે.

૧૯૬૦માં જન્મેલાં અને ભોપાલ યુનિવર્સિટીમાંથી માસ્ટર ઓફ સાયકોલોજીની ડીગ્રી ધરાવતાં હાઈ કમિશનર મિસિસ રુચિ ઘનશ્યામ હિન્દી અને ઈંગ્લિશ ભાષા સારી રીતે જાણે છે. તેમના પતિ શ્રી એ.આર. ઘનશ્યામ ભારતીય વિદેશ સેવાના નિવૃત્ત અધિકારી છે. તેમને સંતાનમાં બે પુત્ર છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter