લંડનઃ રુટલેન્ડના ખેડૂત બ્રાયન નેલોરના ફાર્મની નીચેથી રોમનકાળની વિલાના અતિ દુર્લભ અવશેષો મળી આવ્યા છે જેમાં, હોમરના ઈલિયડ મહાકાવ્યના ચિત્રોના મોઝેઈકનો સમાવેશ થાય છે. યુકેમાં સૌપ્રથમ વખત આ પ્રકારના મોઝેઈક મળ્યાં છે. હિસ્ટોરિક ઈંગ્લેન્ડની સલાહ અનુસાર ડિપાર્ટમેન્ટ ઓફ ડિજિટલ, કલ્ચર, મીડિયા એન્ડ સ્પોર્ટ્સ (DCMS) દ્વારા મોઝેઈક્સ અને આસપાસના વિલા કોમ્પ્લેક્સને શિડ્યુલ્ડ મોન્યુમેન્ટ તરીકે રક્ષિત જાહેર કરાયા છે.
ફાર્મમાલિકના પુત્ર જિમ ઈરવિનને ૨૦૨૦ના લોકડાઉનના ગાળામાં ખેતરમાં ચાલવા દરમિયાન અસામાન્ય માટીકામ દેખાયું હતું. આ પછી તેણે લેસ્ટરશાયર કાઉન્ટી કાઉન્સિલના આર્કિયોલોજિકલ ટીમનો સંપર્ક કર્યો હતો. યુનિવર્સિટી ઓફ લેસ્ટરના પુરાતત્વવિદો દ્વારા ખોદકામ થકી તેની તપાસ હાથ ધરાઈ હતી. હિસ્ટોરિક ઈંગ્લેન્ડ દ્વારા આ મોઝેઈક્સને ‘બ્રિટનમાં કદી મળેલા સૌથી નોંધપાત્ર’ તરીકે ગણાવાયા હતા. એમ કહેવાય છે કે રોમન વિલા કોમ્પ્લેક્સ રોમનકાળના પાછલા હિસ્સામાં ધનાઢ્ય વ્યક્તિના કબજામાં હતું.
જિમ ઈરવિને જણાવ્યું હતું કે,‘મારો પરિવાર ૫૦-૬૦ વર્ષથી આ જમીન ખેડતો રહ્યો છે. ગયા વર્ષે મેં જમીન પર કેટલીક પોટરી નિહાળી હતી જે મેં અગાઉ કદી જોઈ ન હતી. અમે થોડું ખોદકામ કર્યું અને આ નજારો જોવા મળ્યો હતો. ૧૭૦૦ વર્ષથી જમીન હેઠળ રહેલી ચીજવસ્તુઓ જોવાં મળે તે અદ્ભૂત છે.’
૧૧ મીટરની લંબાઈ અને ૭ મીટરની પહોળાઈ ધરાવતા મોઝેઈકમાં ટ્રોય નગરની દીવાલો હેઠળ હેક્ટર પર એચિલિસના વિજયની કથા વણાયેલી છે. મોઝેઈકના રંગ ૧૬૦૦ વર્ષ પહોલા હતા તેવાં જ તેજસ્વી છે. એચિલિસની ભૂરા રંગની આંખો જીવંત જણાય છે. જે વ્યક્તિએ આ માસ્ટરવર્ક કરાવ્યું હશે તે ધનવાન હોવા સાથે શિક્ષિત, ક્લાસિક્સનો અભ્યાસી અને હોમરના સાહિત્યથી પરિચિત હોવાનું સ્પષ્ટ થાય છે.
રોમનોએ ઈ.સન ૪૩થી ઈ.સન ૪૧૦ સુધી બ્રિટનના મોટા ભાગના વિસ્તારો પર કબજો જમાવેલો હતો. બ્રિટિશ શિયાળા દરમિયાન ફ્લોર નીચે હીટિંગ સિસ્ટમ રાખવામાં આવતી હતી જેના ઉપર મોઝેઈક કરાતા હોવાનું મનાય છે. બ્રિટન પર રોમન કબજાના કાળમાં ૨૦૦૦ જેટલા મોઝેઈક ફ્લોર્સ તૈયાર કરાયા હોવાનું મનાય છે. સંખ્યાબંધ ભીંતચિત્રો પર તૈયાર કરાવાયા હતા પરંતુ, બ્રિટિશ આબોહવા સામે તે ઝીંક ઝીલી શક્યાં ન હતાં. આશરે ૧૫૦ મોઝેઈક થોડા ઘણા અંશે સુરક્ષિત છે અને તેમાંથી અડધા જેટલા ચોથી સદીના છે. બ્રિટનમાં રોમન વસ્તી આશરે ૩.૬ મિલિયન હતી જેમાંથી ચોથી સદીના અંતે માત્ર ૧૨૫,૦૦૦ની વસ્તી રહી હતી.


