લંડનઃ પ્રિન્સ હેરીનો રૂપર્ટ મર્ડોકના મીડિયા સામ્રાજ્ય સામેના જંગમાં મોટો વિજય થયો છે. હાઇકોર્ટે ધ સન અખબાર દ્વારા પ્રિન્સ હેરીના અંગત જીવનમાં 15 વર્ષ સુધી કરાયેલી દખલગીરી માટે પ્રિન્સ હેરીની માફી માગવા આદેશ આપ્યો છે. આ સાથે પ્રિન્સ હેરી બ્રિટિશ ટેબ્લોઇડ મીડિયાને તેના કૃત્યો માટે જવાબદાર ઠેરવવામાં સફળ રહ્યાં છે.
મર્ડોકના મીડિયા ગ્રુપે અદાલતમાં માગેલી માફીમાં પહેલીવાર કબૂલાત કરી હતી કે ધ સન અખબાર દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિ કરાઇ હતી. મીડિયા ગ્રુપે અંગત જીવનમાં દખલ માટે પ્રિન્સ હેરી અને તેમની માતા પ્રિન્સેસ ડાયના અંગેના અહેવાલો માટે માફી માગી હતી.
મર્ડોકના મીડિયા ગ્રુપ દ્વારા પ્રિન્સ હેરીને થયેલા નુકસાન અને હેરાનગતિ માટે 10થી 20 મિલિયન પાઉન્ડનું વળતર ચૂકવવામાં આવે તેવી સંભાવના છે.
પ્રિન્સ હેરી દ્વારા બ્રિટિશ ટેબ્લોઇડ મીડિયા સામે લાંબા સમયથી કાનૂની જંગ ચાલી રહ્યો હતો. જેમાં પ્રિન્સ હેરીએ દેશના સૌથી શક્તિશાળી મીડિયા ગ્રુપોને આડે હાથ લીધા છે. પ્રિન્સ હેરીએ અદાલતમાં 200 ન્યૂઝ આર્ટિકલ રજૂ કરી અહેવાલો પ્રાપ્ત કરવામાં ગેરકાયદેસર ટેકનિક અપનાવવામાં આવી હોવાનો આરોપ મૂક્યો હતો.


