લંડનઃ ચાન્સેલર રેચલ રીવ્ઝ 26 નવેમ્બર બુધવારના રોજ ઓટમ બજેટ રજૂ કરશે. ચાન્સેલર રેચલ રીવ્ઝે 26 નવેમ્બરના રોજ રજૂ થનારા ઓટમ બજેટમાં કરવેરામાં વધારો કરવાનો તખ્તો પહેલેથી તૈયાર કરી તેના સંકેતો પણ આપી દીધાં છે ત્યારે હવે કરવેરામાં વધારાની ગાજ કોના પર પડે છે તે જોવાનું રહ્યું. આમ તો મકાન માલિકોથી માંડીને પેન્શન બચતકર્તાઓ સુધીના કરદાતાઓ રીવ્ઝના નિશાના પર છે. ફુગાવાનો ઉંચો દર અને 30 બિલિયન પાઉન્ડની ખાધ સરકારી તિજોરી પર દબાણ સર્જી રહી છે તેથી રીવ્ઝ પાસે કરવેરામાં વધારો કરવા સિવાય બીજો કોઇ વિકલ્પ પણ નથી. રીવ્ઝ મુખ્યત્વે 6 મોટા બદલાવ કરે તેવી સંભાવના છે. આમ તો તેમણે આવકવેરા, નેશનલ ઇન્શ્યુરન્સ અને વેટમાં વધારો નહીં કરવાનું વચન આપ્યું છે પરંતુ ઇન્કમટેક્સમાં થ્રેસહોલ્ડ વધારીને કરદાતાઓને સ્ટીલ્થ ટેક્સનો ભોગ બનાવી શકે છે. આ ઉપરાંત પેન્શન ભથ્થાને ઇનહેરિટન્સ ટેક્સની ગણતરીમાં સામેલ કરવા, 1.5 મિલિયન કે તેથી વધુ મૂલ્યના મકાનના વેચાણ પર મેન્શન ટેક્સ, નવો પ્રોપર્ટી ટેક્સ, લેન્ડ લોર્ડ ટેક્સ તેમજ આઇએસએ સુધારા ચાન્સેલર રીવ્ઝના ઓટમ બજેટમાં જોવા મળી શકે છે.

