લંડનઃ રીવ્ઝના ઓટમ બજેટમાં આવકવેરા કરદાતાઓને કોઇ રાહત અપાઇ નથી. ચાન્સેલરે ઇન્કમટેક્સ થ્રેશહોલ્ડ પરનો સ્થગનાદેશ વર્ષ 2028થી 3 વર્ષ લંબાવીને 2031 સુધી કરી દેતાં કરદાતાઓએ હાલના ઉચ્ચ દરે જ આવકવેરો ચૂકવવો પડશે. લઘુત્તમ વેતનમાં વધારો થતાં મિલિયનો કરદાતા ઉચ્ચ દરે આવકવરો ચૂકવતા રહેશે. તે ઉપરાંત પહેલીવાર મિલિયનો સ્ટેટ પેન્શનર્સને વર્ષ 2027થી પેન્શનની આવક પર વેરો ચૂકવવો પડશે.
વર્કર્સ અને પેન્શનરોને 12,570 પાઉન્ડથી વધુની આવક પર 20 ટકા ટેક્સ ચૂકવવો પડે છે. આ દર વર્ષ 2022થી ફ્રીઝ કરાયો છે. તેનો અર્થ એ થયો કે વેતન અને પેન્શનમાં વૃદ્ધિ સાથે વધુને વધુ લોકો આવકવેરાના દાયરામાં આવી જશે.
50,270 પાઉન્ડની આવક ધરાવતા લોકોએ 40 ટકા આવકવેરો ચૂકવવો પડે છે. આ દર પણ વર્ષ 2022થી યથાવત છે અને હવે 2031 સુધી આજ દરે આવકવેરો ચૂકવવો પડશે. ઓબીઆરના એક અંદાજ પ્રમાણે બેઝિક દરે આવકવેરો ચૂકવનારાની સંખ્યા 7,80,000 અને હાયર રેટ પર કર ચૂકવતા કરદાતાની સંખ્યા 9,20,000 થઇ જશે. આવકવેરા પરનો સ્થગનાદેશ ઇંગ્લેન્ડ, વેલ્સ અને નોર્ધન આયર્લેન્ડમાં જ લાગુ થશે. સ્કોટલેન્ડની આગવી ઇન્કમ ટેક્સ પ્રણાલિ છે.
તે ઉપરાંત ચાન્સેલરે નેશનલ ઇન્શ્યુરન્સ અને વેટ પરનો સ્થગનાદેશ પણ 3 વર્ષ લંબાવવાની જાહેરાત કરી છે. રીવ્ઝે કબુલાત કરી છે કે નોકરીયાતોને આની અસર થશે પરંતુ નિષ્ણાતો અનુસાર ટેક્સ સિસ્ટમમાં બદલાવો સૌથી વધુ અમીરોને અસર કરશે.
રીવ્ઝે ઇન્કમટેક્સ, નેશનલ ઇન્શ્યુરન્સ અને વેટને યથાવત રાખવાનો નિર્ણય કરી લાખો કરદાતાઓને સ્ટીલ્થ ટેક્સનો ભોગ બનાવ્યાં છે. આ પગલાં દ્વારા સરકારને સૌથી વધુ આવક થવાની છે.


