લંડનઃ યુકેના રેડ ટ્રાવેલ લિસ્ટમાંથી કોલમ્બિયા, ડોમિનિકન રિપબ્લિક, ઈક્વેડોર, હેઈતી, પનામા, પેરુ અને વેનેઝૂએલાને દૂર કરવામાં આવ્યા છે. આના પરિણામે, હવે વિદેશથી આવતા કોઈ પ્રવાસીએ હોટેલમાં ક્વોરેન્ટાઈન રહેવું પડશે નહિ. આ પગલાંનો અમલ ઈંગ્લેન્ડ, સ્કોટલેન્ડ, વેલ્સ અને નોર્ધર્ન આયર્લેન્ડમાં પહેલી નવેમ્બર, સોમવાર સવારના ૪ વાગ્યાથી કરવામાં આવશે. મિનિસ્ટર્સે જણાવ્યું છે કે જો પરિસ્થિતિ વણસે તો રેડ લિસ્ટ ફરીથી અમલી બનાવી શકાશે. આ ઉપરાંત, સોમવારથી યુકેમાં ટ્રાવેલ માટે શ્રી લંકા, પેરુ અને યુગાન્ડા સહિત નવા ૩૫ દેશના વેક્સિન પ્રોગ્રામ્સને માન્યતા અપાઈ છે. આના પરિણામે, યુકેમાં ટ્રાવેલ માટે જે દેશોના વેક્સિન્સને માન્યતા અપાઈ છે તેની કુલ સંખ્યા ૧૩૫ થઈ છે.
બ્રિટનમાં હવે કોઈ પણ દેશ ટ્રાવેલ રેડ લિસ્ટમાં રહેતો નથી. અત્યાર સુધી રેડ લિસ્ટમાં રખાયેલા સાત દેશ-કોલમ્બિયા, ડોમિનિકન રિપબ્લિક, ઈક્વેડોર, હેઈતી, પનામા, પેરુ અને વેનેઝૂએલાને યાદીમાંથી દૂર કરાતા હવે રેડ લિસ્ટ અભરાઈએ ચડાવી દેવાયું છે. ફેબ્રુઆરીથી વિવાદાસ્પદ હોટેલ ક્વોરેન્ટાઈન ફરજિયાત બનાવાયું હતું તેનો હાલ પુરતો અંત આવે છે. રેડ લિસ્ટમાં રખાયેલા દેશમાંથી આવતા પ્રવાસીએ ૧૧ રાત સુધી પ્રતિ વ્યક્તિ ૨,૨૮૫ પાઉન્ડના ખર્ચથી ફરજિયાત ક્વોરેન્ટાઈન રહેવું પડતું હતું.
ટ્રાન્સપોર્ટ સેક્રેટરી ગ્રાન્ટ શાપ્સે જણાવ્યું હતું કે જાહેર આરોગ્યની જાળવણીના સાવચેતીના પગલાં તરીકે રેડ લિસ્ટ કેટેગરી યથાવત રાખવામાં આવશે અને જરૂર લાગશે તો યુકેની સુરક્ષાના પ્રથમ પગલા તરીકે કોઈ પણ દેશ અને પ્રદેશોને આ યાદીમાં ઉમેરવાની તૈયારી છે. દર ત્રણ સપ્તાહે રેડ લિસ્ટની સમીક્ષા કરાતી રહેશે.

