લંડનઃ જે ગેરકાયદેસર માઇગ્રન્ટને રેફ્યુજીનું સ્ટેટસ અપાયું છે તેમને બેનિફિટ્સનો હવે બિનશરતી લાભ અપાશે નહીં. હાલમાં 1,20,000 જેટલા રેફ્યુજી યુનિવર્સલ ક્રેડિટનો લાભ લઇ રહ્યાં છે. સરકારે જણાવ્યું છે કે રાજ્યાશ્રયવાંચ્છુઓને સહાય કરવાની કાયદાકીય જોગવાઇ જ રદ કરાશે જે અંતર્ગત જ્યાશ્રયવાંચ્છુઓને રહેઠાણની ગેરેંટી અને સાપ્તાહિક આર્થિક સહાય ચૂકવવામાં આવે છે. હોમ ઓફિસના સૂત્રોના જણાવ્યા અનુસાર રેફ્યુજીએ બ્રિટિશ નાગરિકોની જેમ જ કામ કરવું પડશે.
જોકે જે લોકો નિરાધાર છે તેમને સહાય જારી રખાશે પરંતુ જેમને કામ કરવાની પરવાનગી અપાઇ છે તેમ છતાં કામ કરતાં નથી, કાયદાનું ઉલ્લંઘન કરે છે અથવા તો દેશનિકાલના આદેશનું પાલન નથી કરતા તેમને સરકાર દ્વારા કોઇ સપોર્ટ કરાશે નહીં. જે લોકો નિરાધાર હોવાનો ઢોંગ કરે છે તેમની પણ સહાય બંધ કરી દેવાશે. હાલમાં 8000 રાજ્યાશ્રયવાંચ્છુઓને કામ કરવાની પરવાનગી અપાઇ છે તેમ છતાં મફતના રહેઠાણમાં રહે છે.
જે ગેરકાયદેસર માઇગ્રન્ટ્સ પાસે કાર, ઇ-બાઇક અથવા રોકડ જેવી સંપત્તિ છે તેમણે પોતાના રહેવાના ખર્ચમાં યોગદાન આપવું પડશે. આ જ નિયમ જેમની પાસે કેટલીક સંપત્તિ અને આવક છે તેવા રાજ્યાશ્રયવાંચ્છુઓને પણ લાગુ પડશે. જો માઇગ્રન્ટ તેની સંપત્તિ જાહેર નહીં કરે તો સરકાર તેને અપાતી સહાય રિકવર કરશે.


