લંડનઃ આગામી વર્ષે ફૂલ ટાઈમ વાર્ષિક સીઝન ટિકિટના ખર્ચમાં ૧૫૦ પાઉન્ડથી વધુનો ઉમેરો કરાવા સાથે રેલવે પેસેન્જર્સને દસકાના સૌથી વધુ ભાવવધારાનો સામનો કરવો પડી શકે છે. મહામારી દરમિયાન રેલવેઝને મલ્ટિબિલિયન પાઉન્ડનું બેઈલ આઉટ પેકેજ અપાયા પછી પેસેન્જર્સ તેની કિંમત ચૂકવી રહ્યા છે ત્યારે નવા વર્ષમાં ભાડાંમાં ૪.૮ ટકાનો જંગી વધારો થવાનો ભય છે.
ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટના જણાવ્યા મુજબ આગામી વર્ષના ભાડાં વધારવા મુદ્દે કોઈ નિર્ણય લેવાયો નથી. સરકાર ઓછો ભાવવધારો પણ વિચારી શકે છે. આના વિકલ્પે જાન્યુઆરીમાં કરાનારો ભાવવધારો આગામી વર્ષના માર્ચ સુધી મોકુફ રાખી શકે છે અને બેઝલાઈન તરીકે સપ્ટેમ્બર ૨૦૨૧ના RPI દરને રાખી શકે છે.
વાર્ષિક ભાડાંવધારો જુલાઈ મહિનાના રીટેઈલ પ્રાઈસ ઈન્ડેક્સ (RPI) સાથે સાંકળવામાં આવે છે. ઓફિસ ફોર નેશનલ સ્ટેટેસ્ટિક્સ દ્વારા ૩.૮ ટકાનો આંક જારી કરાયો છે. આ વર્ષમાં ઈંગ્લેન્ડ અને વેલ્સમાં ઈન્ફ્લેશન વત્તા ૧ ટકાના ધોરણે ભાડાં વધારાયા હતા. આ રીતે આગામી વર્ષે પણ વધારો કરાશે તો સમગ્રતયા ૪.૮ ટકાનો વધારો થઈ શકે છે જે ૨૦૧૨ પછી સૌથી મોટો વધારો બની રહેશે.
જો આમ થશે તો સરેરાશ ફૂલ ટાઈમ વાર્ષિક સીઝન ટિકિટના ખર્ચમાં લગભગ ૧૫૧ પાઉન્ડનો વધારો થવા સાથે ટિકિટની કિંમત ૩,૨૯૫ પાઉન્ડની થઈ જશે. માત્ર ૧૦ વર્ષના ગાળામાં ખર્ચો સમગ્રતયા ૧,૧૦૦ પાઉન્ડ અથવા ૫૦ ટકા વધી જશે. બર્મિંગહામ અને લંડન એસ્ટન (Euston) વચ્ચે સીઝન ટિકિટનો ભાવ સૌથી વધુ એટલે કે ૨૦૧૦ પછી ૪,૦૧૮ પાઉન્ડના વધારા પછી ૧૨,૦૪૪ પાઉન્ડનો જોવા મળશે.