લંડનઃ રેલ કંપનીઓને નવા રીકવરી કોન્ટ્રાન્કટ્સ મંજૂર કરાતા બ્રિટનની રેલવેને ફ્રેન્ચાઈઝી પર આપવાની નીતિનો ૨૦ કરતાં વધુ વર્ષ પછી અંત આવ્યો હતો. સરકાર આગામી ૧૮ મહિના સુધી ઓપરેટરોએ કરેલી ખોટને સરભર કરવાની કામગીરી ચાલુ રાખશે. ફ્રેન્ચાઈઝીંગ સિસ્ટમના સ્થાને આવનાર પદ્ધતિને ડિપાર્ટમેન્ટ ફોર ટ્રાન્સપોર્ટ (DfT) સરળ અને વધુ અસરકારક માળખું ગણાવે છે. પરફોર્મન્સના ઉચ્ચ ટાર્ગેટ્સ અને સરળ યાત્રાઓ દ્વારા આ નવો અભિગમ સરળ અને અસરકારક મોડેલ પૂરું પાડશે.
દરમિયાન, ફ્રેન્ચાઈઝીંગનું સ્થાન ઈમરજન્સી રીકવરી મેઝર્સ એગ્રીમેન્ટસે લીધું છે. તેમાં ઓછી મેનેજમેન્ટ ફી સાથે કામગીરીના ઉચ્ચ લક્ષ્ય રખાયા છે. આ પગલાંની જાણ રોયલ મેલના ચેરમેન કિથ વિલિયમ્સે કરેલા રિવ્યુથી થઈ હતી. આ રિવ્યુ ૨૦૧૮થી શરૂ થયો હતો. ટાઈમટેબલમાં આડેધડ ફેરફાર અને કેટલીક ફ્રેન્ચાઈઝીસની નિષ્ફળતા અંગે DfT એ મુદ્દો ઉઠાવ્યો હતો. તેથી લોકડાઉન દરમિયાન ટ્રેનો ચાલુ રહે તે સુનિશ્ચિત કરવા માટે થોડા મહિના અગાઉ DfT એ ફ્રેન્ચાઈઝીસ પાસેથી રેલવેનો હવાલો પાછો લઈ લીધો હતો અને તે તેનું અસરકારક સંચાલન કરી રહ્યું છે. કિથ વિલિયમ્સે જણાવ્યું કે આ નવા કરારો જટિલ ફ્રેન્ચાઈઝીંગ સિસ્ટમનો અંત દર્શાવે છે.
ટ્રાન્સપોર્ટ સેક્રેટરી ગ્રાન્ટ શેપ્સે જણાવ્યું હતું કે ૨૫ વર્ષ અગાઉ ખાનગીકરણનું મોડેલ અપનાવાયું હતું. તે દરમિયાન પેસેન્જરોની સંખ્યામાં ઘણો વધારો થયો હતો. પરંતુ, આ મહામારીએ પૂરવાર કર્યું છે કે આ મોડેલ ચાલી શકે તેમ નથી. તેમણે ઉમેર્યું હતું કે મુસાફરોને નેટવર્ક દ્વારા સલામત અને વિશ્વસનીય સેવા મળશે. આ સમય બ્રિટનને પૂર્વવત અને ધમધમતું કરવાનો છે. DfT આ જાહેરાતને સરકારના વ્હાઈટ પેપર અગાઉની પ્રસ્તાવના ગણાવે છે. વ્હાઈટ પેપરમાં રિવ્યુની ભલામણોની પ્રતિક્રિયા અપાશે અને મહામારીનું ચિત્ર સ્પષ્ટ થયા પછી તે પ્રસિદ્ધ કરાશે.

