લંડન
નબળી સેવાઓ છતાં ટ્રેનના ભાડાંમાં છેલ્લા એક દાયકાનો સૌથી મોટો વધારો ઝીંકી દેવાયો છે. ઇંગ્લેન્ડ અને વેલ્સમાં ટ્રેન ભાડાંમાં સરેરાશ 5.9 ટકાનો વધારો કરાયો છે જેના કારણે પ્રવાસીઓના ખિસ્સા પર મોટો બોજો પડશે. વાર્ષિક સીઝન ટિકિટની કિંમતમાં સેંકડો પાઉન્ડનો વધારો થશે. છેલ્લે 2012માં સમગ્ર બ્રિટનમાં ટ્રેન ભાડામાં 6.1 ટકાનો વધારો કરાયો હતો.
રેલવે મિનિસ્ટર હુવ મેર્રીમેને જણાવ્યું હતું કે, ટ્રેનના ભાડાંમાં કરાયેલો વધારો ફુગાવાના દર કરતાં ઘણો ઓછો છે અને ભાડા વધારાનો નિર્ણય ઘણા વિલંબ બાદ કરાયો છે. પરંતુ લેબર પાર્ટીએ આ વધારાનો વિરોધ કર્યો છે. પબ્લિક ટ્રાન્સપોર્ટ સંગઠનોએ આરોપ મૂક્યો છે કે પ્રવાસીઓને તેમણે ખર્ચેલા નાણા પ્રમાણે સુવિધાઓ મળતી નથી. ભાડાંમાં સરેરાશ 5.9 ટકાનો વધારો કરાયો છે જેના કારણે લંડનમાં સિઝન ટિકિટની વાર્ષિક કિંમત 3664 પાઉન્ડથી વધીને 3880 પાઉન્ડ પર પહોંચી જશે. બર્મિંગહામથી કાર્ડિફની ઓફ પીક રિટર્ન ટિકિટના હવે 67.30 પાઉન્ડના સ્થાને 71.27 પાઉન્ડ ચૂકવવા પડશે. લીવરપૂલથી લીડ્સની સિંગલ ટિકિટ માટે 39.90 પાઉન્ડના સ્થાને 42.25 પાઉન્ડ ચૂકવવા પડશે.
રેલવે ભાડાંમાં વધારો છતાં રેલવે સેવાઓ બદતર બની રહી છે. છેલ્લા એક વર્ષમાં દર 25માંથી એક ટ્રેન રદ કરવામાં આવી હતી. લેબર પાર્ટીના શેડો ટ્રાન્સપોર્ટ સેક્રેટરી લૂઇસ હેઇઘે જણાવ્યું હતું કે, ટોરી સરકારની પડી ભાંગેલી રેલવે સિસ્ટમ પર આધાર રાખતા લાખો પ્રવાસીઓ સાથે ક્રુર મજાક કરાઇ છે. આમ પણ જનતા વધી રહેલા કરવેરા અને મોંઘવારીમાં પીસાઇ રહી છે ત્યારે રોજિંદા પ્રવાસને સરકાર દ્વારા મોંઘોદાટ કરાયો છે.
પૂર્વ લિબરલ ડેમોક્રેટ ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર નોર્મન બેકરે જણાવ્યું હતું કે, દાયકાનો સૌથી મોટો ભાડા વધારો વધુ લોકોને રેલવે પ્રવાસ માટે પ્રોત્સાહન નહીં આપે કે ખર્ચાને પહોંચી વળવામાં સંઘર્ષ કરી રહેલી જનતાને કોઇ મદદ કરશે નહીં.


