લંડનઃ ઇંગ્લેન્ડ અને વેલ્સમાં ટ્રેન રદ થવાનું પ્રમાણ છેલ્લા 10 વર્ષમાં ચરમસીમા પર પહોંચ્યું હોવા છતાં ટ્રેનના ભાડાંમાં પાંચ ટકા સુધીનો વધારો ઝીંકી દેવાયો છે. પબ્લિક ટ્રાન્સપોર્ટ કેમ્પેનર્સનો દાવો છે કે પ્રવાસીઓને વિના કારણે દંડવામાં આવી રહ્યાં છે. રવિવારે કરાયેલા ભાડા વધારાના કારણે ભારે રોષની લાગણી પ્રવર્તી રહી છે. ઇંગ્લેન્ડ અને વેલ્સમાં છેલ્લા એક વર્ષમાં 3.9 ટકા રેલવે સેવાઓ રદ કરાઇ હતી.
રેલવે ભાડાંમાં વધારાના કારણે વાર્ષિક સિઝન ટિકિટ પર 190 પાઉન્ડ વધુ ચૂકવવા પડશે. વાર્ષિક સિઝન ટિકિટની કિંમત 3880 પાઉન્ડથી વધીને 4070 પાઉન્ડ પર પહોંચશે. રેલફ્યુચર ગ્રુપના વડા ક્રિસ પેજે જણાવ્યું હતું કે દર વર્ષે ભાડામાં વધારો કરીને શા માટે પ્રવાસીઓને દંડવામાં આવી રહ્યાં છે. એકતરફ જનતા કોસ્ટ ઓફ લિવિંગ ક્રાઇસિસથી પીડાઇ રહી છે ત્યારે સરકાર રેલવે અને સડકો પર કિંમત વસૂલવા અધીરી બની છે.
લેબર પાર્ટીના શેડો ટ્રાન્સપોર્ટ સેક્રેટરી લૂઇસ હેઇએ જણાવ્યું હતું કે એકતરફ દેશમાં રેલવેની સેવાઓ કથળી રહી છે ત્યારે આ ભાડાવધારો પ્રવાસીઓ માટે આકરો પૂરવાર થશે. 2010થી ટોરી પાર્ટી સત્તામાં આવી છે ત્યારથી રેલવે ભાડાં બમણા થઇ ગયાં છે. હવે પ્રવાસીઓને ઓછી સેવા માટે વધુ કિંમત ચૂકવવા મજબૂર કરાઇ રહ્યાં છે.


