લંડનઃ બ્રિટનના લાખો યુવાનોને ટ્રેન ટિકિટના ભાડામાં મોટો ફાયદો થવા જઈ રહ્યો છે. સરકારના ટ્રાન્સપોર્ટ વિભાગે રેલવે ભાડા સંબંધિત એક નવો નિયમ અમલી બનાવ્યો છે, જેનાથી વિદ્યાર્થીઓ અને યુવાનોના પ્રવાસ ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો થશે.
અગાઉ '16-17 સેવર રેલકાર્ડ' ધારકના 18 વર્ષ પૂરા થતાં જ રદ થઈ જતું હતું. પરંતુ હવે નવા સુધારા મુજબ આ કાર્ડ ધારકના 19 વર્ષ પૂરા થાય ત્યાં સુધી માન્ય રહેશે. તેનો અર્થ એ થયો કે 17 વર્ષની વય ધરાવતી વ્યક્તિ તેના 18મા જન્મદિનના એક દિવસ પહેલા સુધી આ રેલકાર્ડ ખરીદી શકશે, જે તેના 19મા જન્મદિનના એક દિવસ પહેલા સુધી સક્રિય રહેશે. નવા નિયમને પગલે 18 વર્ષના યુવાનો પણ અડધી કિંમતે ટ્રેન ટિકિટ ખરીદી શકશે.
ટ્રાન્સપોર્ટ વિભાગના આંકડા અનુસાર, આ કાર્ડ વિના અંદાજે 70,000 વિદ્યાર્થીઓને શૈક્ષણિક વર્ષ દરમિયાન સરેરાશ આશરે 175 પાઉન્ડનો વધારાનો બોજ સહન કરવો પડતો હતો.


