લંડનઃ બ્રિટનમાં ફાટી નીકળેલા બ્લેક લાઈવ્ઝ મેટર આંદોલનના પગલે સરકારે ‘કમિશન ઓન રેસ એન્ડ ઈથનિક ડિસ્પેરિટીઝ’ના ચેરમેન ડો. ટોની સેવેલ દ્વારા રેસ રિવ્યૂ બુધવાર - ૩૧ માર્ચે જાહેર કરાયો હતો. મહત્ત્વની બાબત એ છે કે આ રિવ્યૂમાં યુકેમાં વંશીય લઘુમતી સમુદાયના લોકો વિરુદ્ધ ગણતરી કે ઈરાદાપૂર્વક રંગભેદી વલણ આચરાતુ હોવાનો અથવા દેશ અને વ્યાપક સમાજમાં સંસ્થાગત અને માળખાકીય રેસિઝમનું અસ્તિત્વ હોવાનો સ્પષ્ટ ઈનકાર કરાયો છે. આ રિપોર્ટમાં BAME જેવો શબ્દપ્રયોગ ઉપયોગમાં નહિ લેવાની પણ ભલામણ કરવા સાથે ‘વ્હાઈટ પ્રિવિલેજ’ શબ્દને વિવાદાસ્પદ ગણાવાયો છે.
૨૫૮ પાનાના રેસ રિવ્યૂ રિપોર્ટમાં લોકોની જિંદગી બનવામાં રેસ અથવા જાતિ કરતાં પણ પારિવારિક માળખા અને સામાજિક વર્ગીકરણનો વધુ પ્રભાવ હોવાનું જણાવાયું છે. જોકે, રેસિઝમનો સદંતર ઈનકાર કરવામાં આવ્યો નથી અને ઓનલાઈન અસ્તિત્વ વધુ હોવાનો ઉલ્લેખ કરાયો છે. કમિશનનો ૨૫૮ પાનાનો રિપોર્ટ સ્પષ્ટ કરે છે કે રેસિઝમ અને રંગભેદી અન્યાય હજુ પણ અસ્તિત્વ ધરાવે છે પરંતુ, ભૌગોલિક સ્થિતિ, પારિવારિક પ્રભાવ, સંસ્કૃતિ અને ધર્મ જીવનની તકો પર વધુ અસર કરે છે. સેવેલના રિપોર્ટમાં બ્રિટનને અન્ય દેશો માટે આદર્શ જાતિગત મોડેલ તરીકે ગણાવતા કહેવાયું છે કે બ્રિટન વધુ ખુલ્લો સમાજ બન્યો છે તેમજ શિક્ષણ અને રોજગારીના ક્ષેત્રોમાં જાતિગત અસમાનતાઓ તદ્દન ઘટી છે.
બીજી તરફ, લેબર પાર્ટી તેમજ કેમ્પેઈનર્સે રિપોર્ટને ગુલામી અને બ્રિટિશ સામ્રાજ્યનું મહિમાગાન સમાન ગણાવ્યો છે અને દેશભરમાં રિપોર્ટ વિરુદ્ધ રોષ ફાટી નીકળ્યો છે. ટીકાકારોએ આ રિપોર્ટ શંકાશીલ, બેજવાબદાર અને અનૈતિક રિહોવાનું જણાવી રેસ કમિશન યુકેમાં આરોગ્ય, શિક્ષણ અને હાઉસિંગ ક્ષેત્રોમાં લઘુમતી કોમ્યુનિટીને અસર કરતી અસમાનતાને સ્વીકારવામાં નિષ્ફળ રહ્યું હોવાનું જણાવ્યું છે.
રિપોર્ટના તારણો સાથે અસંમત NHS Providers અનુસાર NHSના શ્વેત સ્ટાફની સરખામણીએ વંશીય લઘુમતી સ્ટાફના સૌથી ખરાબ અનુભવો છે અને વધુ અવરોધો નડ્યા છે તેના સ્પષ્ટ પૂરાવાઓ છે. હકીકત એ છે કે કોવિડ-૧૯ અને બ્લેક લાઈવ્ઝ મેટર પહેલા સમાજના તમામ સ્તરે અને ક્ષેત્રોમાં માળખાગત રેસિઝમ હતું. કોવિડ-૧૯થી માળખાગત અસમાનતાઓ બહાર આવી, BAME કોમ્યુનિટીઝના લોકો અને ફ્રન્ટલાઈન હેલ્થ વર્કર્સ મોટા પાયે મોતનો શિકાર બનવા લાગ્યા, બીમાર થયાં અને નોકરીઓ ગુમાવી ત્યારે તેનું વરવું સ્વરુપ સ્પષ્ટ થયું હતું.
રિપોર્ટમાં કહેવાયું છે કે ૫૦ વર્ષ અગાઉની હાલત કરતાં અત્યારે સ્થિતિ ઘણી સારી છે તેના તરફ ધ્યાન અપાવું જોઈએ. શાળાઓમાં શ્વેત વિદ્યાર્થીઓની સરખામણીએ લઘુમતી વંશીય કોમ્યુનિટીના બાળકોનો દેખાવ વધુ સારો હોવાનું પણ રિપોર્ટમાં સ્વીકારાયું છે.