લંડનઃ વડાપ્રધાન રિશી સુનાકે જણાવ્યું છે કે બાળપણમાં હું પણ રેસિઝમનો શિકાર બન્યો હતો. એક ટેલિવિઝન ન્યૂઝ ચેનલને આપેલી મુલાકાતમાં સુનાકે જણાવ્યું હતું કે, મારા માતાપિતા ઇચ્છતા હતા કે હું વાતાવરણને અનુકૂળ બનું અને કોઇપણ પ્રકારની એક્સેન્ટ વિના બોલું. તેના માટે મારા માતાપિતા મને એક્સ્ટ્રા ડ્રામા ક્લાસ માટે પણ મોકલતા હતા.
સુનાકે જણાવ્યું હતું કે, તમે એ બાબતે સભાન હો છો કે તમે અલગ છો. તમે અન્યોથી અલગ ન દેખાવ તેનો પ્રયાસ કરવો અઘરો છે. હા મેં પણ બાળપણમાં રેસિઝમનો સામનો કર્યો છે. પોતાના નાના ભાઇ-બહેન સાથે થતા વંશીય ભેદભાવને યાદ કરતાં સુનાક કહે છે કે રેસિઝમ તમને અન્ય કોઇપણ બાબત કરતાં વધુ દુઃખ પહોંચાડે છે. મને એમ લાગતું કે મારી સાથે જે થયું છે તે મારા બાળકો સાથે ન થવું જોઇએ.
વડાપ્રધાને જણાવ્યું હતું કે, અમે કેવી રીતે બોલીએ તે અંગે મારી માતા ખુબ જ સભાન હતાં. મારી માતા ઇચ્છતા હતા કે અમે કોઇપણ પ્રકારની એક્સેન્ટ વિના બોલીએ અને સ્પષ્ટ બોલીએ. એટલા માટે જ તે અમને એક્સ્ટ્રા ડ્રામા કરાવતા હતા. હું માનુ છું કે રેસિઝમ કોઇપણ સ્વરૂપે સ્વીકાર્ય નથી. હું જ્યારે વૈશ્વિક નેતાઓ સાથે વાત કરું છું ત્યારે રેસિઝમ દૂર કેવી રીતે કરી શકાય તેનું ઉદાહરણ તેઓ બ્રિટન પાસેથી ઇચ્છતા હોય છે.
સુનાકે સ્વીકાર્યું હતું કે, તેમણે ક્યારેય વિચાર્યું નહોતું કે એક દિવસ યુકેમાં વંશીય લઘુમતી સમુદાયનો વ્યક્તિ વડાપ્રધાન બનશે કારણ કે તેના માટે કોઇ રોલ મોડેલ જ નહોતો.


