લંડનઃ રિસિલેક્શન પ્રક્રિયા રેસિસ્ટ હોવાના કારણે પોર્ટ્સમાઉથ યુનિવર્સિટીને તેના એક લેક્ચરરને નુકસાન પેટે ઓછામાં ઓછા 4,50,000 પાઉન્ડ ચૂકવવાનો આદેશ અપાયો છે. યુનિવર્સિટીએ કાજલ શર્માને સીનિયર લેક્ચરર હોવા છતાં તેમની સાથે વંશીય પક્ષપાત કરીને યુનિવર્સિટીના બિઝનેસ એન્ડ લો ફેકલ્ટી તરીકે પુનઃ નિયુક્તિ આપી નહોતી.
કાજલ શર્માએ એમ્પ્લોયમેન્ટ ટ્રિબ્યુનલને જણાવ્યું હતું કે, 3 વર્ષ સુધી યુનિવર્સિટીમાં પુનઃ નિયુક્ત ન કરાયા હોય તેવા બે સીનિયર લેક્ચરરમાં તેમનો પણ સમાવેશ થતો હતો. કાજલ શર્મા દક્ષિણ એશિયન મૂળના છે જ્યારે અન્ય 12માંથી પસંદ કરાયેલા 11 લેક્ચરર શ્વેતવર્ણી છે. જેમને પુનઃનિયુક્તિ અપાઇ હતી. કોર્ટમાં સુનાવણી દરમિયાન યુનિવર્સિટીના આ નિર્ણયને અત્યંત અસામાન્ય ગણાવવામાં આવ્યો હતો. હેડ ફ ધ ડિપાર્ટમેન્ટ ગેરી રીસ અને તેમના બે સહયોગીએ શ્વેત મહિલા કેરી કોલિયરને કોઇપણ પ્રકારના અનુભવ વિના જ આ નોકરી માટે નિયુક્ત કર્યાં હતાં.
કોર્ટે યુનિવર્સિટીની પસંદગી પ્રક્રિયાને રેસિસ્ટ ગણાવતા કાજલ શર્માને વળતર પેટે ઓછામાં ઓછા 4,50,000 પાઉન્ડ ચૂકવવાનો આદેશ આપ્યો છે. પેન્શનની ગણતરી કરવામાં આવશે ત્યારે આ રકમમાં વધુ 3 લાખ પાઉન્ડનો ઉમેરો થઇ શકે છે.

