રેસ્ટોરાંમાં ટીપ મરજિયાત કરાશે

Tuesday 03rd May 2016 13:54 EDT
 
 

લંડનઃ રેસ્ટોરાંના બિલ્સમાં સર્વિસ ચાર્જ ઉમેરવા પર પ્રતિબંધ લાદવાની વિચારણા કરાઈ રહી છે, જેના પરિણામે ટીપ જેવી વધારાની ચુકવણી ગ્રાહકો માટે મરજિયાત બની જશે. રેસ્ટોરાં પેઢીઓ નવા ઊંચા નેશનલ લિવિંગ વેજના ખર્ચને સરભર કરવા ટીપ લેતી હોવાના વિવાદોના પગલે આ પ્રસ્તાવ આવી રહ્યો છે. નવા કાયદા હેઠળ રેસ્ટોરાંએ ગ્રાહકે ટીપ આપવી મરજિયાત હોવાની સ્પષ્ટતા કરવાની રહેશે. બિઝનેસ સેક્રેટરી સાજિદ જાવિદ આ દરખાસ્તો માટે કન્સલ્ટેશન પ્રસિદ્ધ કરવાના છે.

રેસ્ટોરાંમાં ટીપ આપવાની નીતિમાં ધરમૂળ પરિવર્તનના કારણે માલિકોએ ટીપની તમામ રકમ સ્ટાફને આપી દેવાની ફરજ પડશે. આ રકમ તેઓ ખિસ્સાંભેગી કરી શકશે નહિ કે તેમાં ભાગ પણ પડાવી શકશે નહિ. કર્મચારીએ આપેલી સેવા બદલ ટીપની રકમ તેમની પાસે જ રહેશે. અત્યારે ટીપની રકમનો કેટલો હિસ્સો માલિકને અથવા કર્મચારીને મળે તેવી કાનૂની જોઈવાઈ નથી.

કોફી શોપ ચેઈન લે પેઈન કેવોટિડિને લિવિંગ વેજ વધારાયા પછી સ્ટાફના પેઈડ બ્રેક્સને બંધ કરી દીધાં હતાં અને સ્ટાફને ટીપની રકમ પણ વહેંચાતી ન હોવાથી તેની ભારે ટીકાઓ થઈ હતી. આ જ રીતે પિઝા ચેઈન ઝિઝીએ સ્ટાફને મળતી ટીમની રકમ સહિતના લાભમાં કાપ મૂક્યો હતો. દેશભરમાં અનેક શાખા ધરાવતી બ્રેસરી કોટ દ્વારા તેમના વેઈટર્સના વેતનોમાં સબસિડી લાદવા ઓટોમેટિક સર્વિસ ચાર્જનો ઉપયોગ કર્યાનો આક્ષેપ છે. ગયા વર્ષે અનેક ચેઈનોએ ગ્રાહકો કાર્ડ દ્વારા ચુકવણી કરે તો સર્વિસ ચાર્જના ૧૦ ટકા પોતાની પાસે રાખ્યા હતા.

ગ્રાહકોએ સર્વિસ ચાર્જ ચુકવવાનો હોતો નથી કે ટીપ સ્ટાફને મળતી નથી તેવું સ્પષ્ટ નહિ કરાતાં રેસ્ટોરાંઓ તરફ પ્રજાનો રોષ વધી રહ્યો છે. કેટલાંક ગ્રાહકોની ફરિયાદો એવી છે કે તેમની પાસેથી અજાણતા બે વખત ટીપ લેવાય છે. બિલ અથવા મેનુમાં અતિ ઝીણા અક્ષરે સર્વિસ ચાર્જનો ઉલ્લેખ કરાય છે અને બીજી તરફ, બિલ ચુકવતી વેળાએ ઈચ્છાનુસાર વધારાની રકમ મૂકવાનું જણાવાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter