લંડનઃ સ્લાઉ અને દુબઇમાં ઇન્વેસ્ટરોને 3.2 મિલિયન પાઉન્ડનો ચૂનો લગાવનાર સાઉથોલના બ્રેન્ટ રોડના રહેવાસી 32 વર્ષીય ઇન્દર ડાગરને રીડિંગ ક્રાઉન કોર્ટ દ્વારા 6 વર્ષ અને 5 મહિનાની કેદ ફટકારાઇ હતી. ડાગરે તેના પર મૂકાયેલા ફ્રોડના આરોપોનો સ્વીકાર કરી લીધો હતો. ઓક્ટોબર 2019થી નવેમ્બર 2021 વચ્ચેના સમયગાળામાં કંપની શરૂ કરવાના નામે રોકાણકારો સાથે છેતરપિંડી કરી હતી.
ઇન્દર ડાગર રોકાણકારોને પેપ્સીકો, માર્સ અને નેસલે જેવી મોટી કંપનીઓમાં પ્રોજેક્ટ મળ્યા હોવાનો ઝાંસો આપીને નાણા ઉઘરાવી રહ્યો હતો. તે રોકાણકારોને એમ કહેતો કે બેન્ક ખાતામાં મોટી રકમ દર્શાવીને હું મોટી કંપનીઓ પાસેથી વધુ પ્રોજેક્ટ હાંસલ કરી શકું છું અને તેમને વિશ્વાસ અપાવી શકું છું કે પ્રોજેક્ટ પૂરો કરવા માટે મારી કંપની પાસે પુરતી આર્થિક ક્ષમતા છે.
ડાગરે રોકાણકારોને વિશ્વાસ અપાવવા માટે બનાવટી ઇમેલ, બેન્ક સ્ટેટમેન્ટ અને ઇનવોઇસ ઉપજાવી કાઢ્યાં હતાં. તે રોકાણકારોના નાણા દ્વારા જુગાર રમતો હતો. તેણે 53 ગેમ્બલિંગ કંપનીઓમાં દાવ લગાવ્યા હોવાનું સામે આવ્યું હતુ.


