લંડનઃ બ્રિટન સરકારે પાકિસ્તાની એરલાઇન્સ પર લાદેલો પ્રતિબંધ હટાવી લેતાં રોચડેલ ગ્રુમિંગ ગેંગના બે રિંગલીડર્સને દેશનિકાલ કરવાનો માર્ગ મોકળો બનશે. સરકાર કારી અબ્દુલ રઉફ અને આદિલ ખાનને દેશનિકાલ કરવાના પ્રયાસ કરી રહી હતી. આ બંને રિંગલીડર સહિતના 9 નરાધમોની ગ્રુમિંગ ગેંગે 47 જેટલી સગીરાઓને પોતાની હવસનો શિકાર બનાવી હતી. 2012માં આદિલ ખાનને 8 વર્ષ અને અબ્દુલ રઉફને 6 વર્ષની કેદ કરાઇ હતી. આ બંને હજુ રોચડેલમાં જ વસવાટ કરી રહ્યા છે.
પાકિસ્તાને માગ કરી હતી કે જો બ્રિટિશ સરકાર પાકિસ્તાનથી યુકેની ડાયરેક્ટ ફ્લાઇટ્સ માટેનો પાકિસ્તાની એરલાઇન્સ પર લાદેલો પ્રતિબંધ હટાવી લે તો તે આ બંને અપરાધીને સ્વીકારવા તૈયાર છે. આ પ્રતિબંધ છેલ્લા પાંચ વર્ષથી અમલમાં હતો. પાકિસ્તાની સત્તાવાળાઓ દ્વારા સુરક્ષામાં સુધારાની બાંયધરી અપાયા બાદ હવે આ પ્રતિબંધ હટાવી દેવાયો છે. જેના પગલે આ બંને નરાધમના દેશનિકાલનો માર્ગ પણ મોકળો થયો છે.
રોચડેલના લેબર સાંસદ પોલ વોએ જણાવ્યું હતું કે, આ આવકારદાયક પગલું છે. હું જાણું છું કે, આ નિર્ણય સુરક્ષામાં સુધારાના આધારે લેવાયો હશે. તે દેશનિકાલ સાથે સંકળાયેલો નહીં હોય.


