લંડનઃ રોચડેલ ગ્રુમિંગ ગેંગના બે નરાધમોને સ્વીકારવા માટે પાકિસ્તાનની સરકારે બ્રિટનનું નાક દબાવવાનો પ્રયાસ કર્યો છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે બ્રિટન સમક્ષ માગણી કરી છે કે જો બ્રિટન બંને દેશ વચ્ચેની સીધી ફ્લાઇટ શરૂ કરવાની મંજૂરી આપે તો તે ગ્રુમિંગ ગેંગના બે રીંગ લીડરને સ્વીકારવા તૈયાર છે.
બ્રિટિશ સરકાર રોચડેલ ગ્રુમિંગ ગેંગના બે રીંગ લીડર કારી અબ્દુલ રઉફ અને આદિલ ખાનને પાકિસ્તાન ખાતે દેશનિકાલ કરવાના પ્રયાસ કરી રહી છે. આ બંને રોચડેલ ગ્રુમિંગ ગેંગના 9 અપરાધીઓ પૈકીના ઓછામાં ઓછા 7 અપરાધીમાં સામેલ છે જે હજુ યુકેમાં છે.
રઉફ અને ખાન બ્રિટન અને પાકિસ્તાન એમ બંને દેશની નાગરિકતા ધરાવતા હતા. પરંતુ અદાલત દ્વારા દોષી ઠરાવાયા બાદ તેમની બ્રિટિશ નાગરિકતા છીનવી લેવાઇ હતી. એક દાયકા પહેલાં અદાલતે બંનેને પાકિસ્તાનમાં દેશનિકાલ કરવા આદેશ આપ્યો હતો પરંતુ બંનેએ તેમની કોર્ટ અપીલનો ચુકાદો આવે તેના થોડા દિવસ પહેલાં જ પાકિસ્તાની નાગરિકતા છોડી દીધી હતી. તેમણે કોર્ટમાં એવી દલીલ કરી હતી કે અમારી પાસે કોઇ દેશની નાગરિકતા નથી. જો અમને દેશનિકાલ કરાશે તો અમે દેશવિહોણા બની જઇશું.
બીજીતરફ પાકિસ્તાન પણ તેમને સ્વીકારવાનો ઇનકાર કરી રહ્યો હતો. હવે પાકિસ્તાન એમ કહી રહ્યો છે કે જો બ્રિટન પાકિસ્તાની એરલાઇન્સ પરનો પ્રતિબંધ હટાવી લે તો અમે આ બંનેને સ્વીકારીશું. અત્રે ઉલ્લેખનીય છે કે બ્રિટને 2021માં પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સ સહિતની તમામ પાકિસ્તાની એરલાઇન્સ પર પ્રતિબંધ મૂકી દીધો હતો.