લંડનઃ કોરોનરના ચુકાદા અનુસાર રોચડેલ ગ્રુમિંગ ગેંગનો શિકાર બનેલી પીડિતાએ સ્કેન્ડલની તપાસમાં વર્ષો સુધી થયેલા વિલંબના કારણે આત્મહત્યા કરી લીધી હતી. 24 સપ્ટેમ્બર 2024ના રોજ ચેશાયરમાં એક ટ્રેનની હડફેટે આવી જતાં 33 વર્ષીય શાર્લોટ ટેટલીનું મોત થયું હતું.
સુનાવણી દરમિયાન જણાવવામાં આવ્યું હતું કે, તેનું શોષણ કરનાર આરોપી રોચડેલમાં પરત આવ્યા બાદ જુલાઇ 2023માં તે ચેશાયરમાં સ્થળાંતર કરી ગઇ હતી. સાઉથ ચેશાયરના કોરોનર સારા મરફીએ જણાવ્યું હતું કે, મિસ ટેટલી આત્મહત્યા કરે તેવી સંભાવના હોવા છતાં તેને હોસ્પિટલમાંથી રજા આપી દેવાઇ હતી. આરોગ્ય સત્તાવાળાઓએ વધુ મોત ન થાય તે માટે પગલાં લેવાં જોઇએ. મિસ ટેટલી પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડરથી પીડાતી હતી.
કોરોનરે જણાવ્યું હતું કે, મિસ ટેટલી તેના પર થયેલા અત્યાચારો અને શોષણના કારણે ડ્રગના રવાડે ચડી ગઇ હતી. તેણે જીવનનો અંત લાવવા માટે ઘણીવાર ડ્રગના ઓવરડોઝ લીધા હતા.

