લંડનઃ રોચડેલ ગ્રુમિંગ ગેંગનો સરગણા કારી રઉફને દેશનિકાલ કરવાના ઘણા લાંબાસમયથી પ્રયાસ ચાલી રહ્યાં છે પરંતુ કાવાદાવા કરીને તે યુકેમાં વસવાટ કરવામાં સફળ રહ્યો છે. તેના પાડોશીઓનો આરોપ છે કે તે તેના ઘરમાં પાર્ટીઓ કરીને મોજમજા કરી રહ્યો છે.
2017માં 6 વર્ષ જેલની સજા પૈકીની અઢી વર્ષ સજા કાપી લીધા બાદ તેને મુક્ત કરાયો હતો. રઉફ બ્રિટન અને પાકિસ્તાન એમ બંનેની નાગરિકતા ધરાવતો હતો પરંતુ તેની બ્રિટિશ નાગરિકતા રદ કરી દેવાઇ હતી. અદાલતે તેને દેશનિકાલ કરવાનો આદેશ આપ્યો હતો પરંતુ તેણે પાકિસ્તાની નાગરિકતાનો ત્યાગ કરીને દેશનિકાલ અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. પાકિસ્તાને પણ તેને સ્વીકારવાનો ઇનકાર કરી દીધો હતો.
રઉફ આજે પણ રોચડેલના એજ વિસ્તારમાં પોલીસ રક્ષણ સાથે રહે છે જ્યાં તેણે સગીરાઓને પોતાનો શિકાર બનાવી હતી. તેની એક પાડોશીએ જણાવ્યું હતું કે, ઘણા લોકો આવીને રઉફના ઘરમાં પાર્ટીઓ કરે છે. હું સતત ભયમાં રહું છું અને સતત ચાંપતી નજર રાખું છું. અમારા બાળકો સ્ટ્રીટમાં રમતા હોય છે ત્યારે અમારે તેમના સંરક્ષક તરીકે નજર રાખીને બેસી રહેવું પડે છે. બીજા એક પાડોશીએ કહ્યું હતું કે, રઉફ અહીં જલસાથી જીવી રહ્યો છે.