લંડનઃ રોચડેલ ગ્રૂમિંગ ગેંગ લીડર આદિલ ખાન પર બ્રિટનમાં પ્રવેશ પર આજીવન પ્રતિબંધ લગાવી દેવાયો છે. આદિલ ખાન ગુપ્ત રીતે બ્રિટન છોડી ફરાર થઇ ગયો હતો. તેણે 13 વર્ષીય સગીરા પર બળાત્કાર ગુજારી ગર્ભવતી બનાવી દીધી હતી. હોમ ઓફિસે તેના દેશનિકાલના આદેશ જારી કર્યા છે જે તેને હંમેશ માટે બ્રિટનમાં પ્રવેશતો અટકાવશે.
આદિલ ખાન તેના દેશનિકાલને અટકાવવા માટે એક દાયકા લાંબી કાનૂની લડાઇ લડ્યો હતો. ગ્રેટર માન્ચેસ્ટર પોલીસે જણાવ્યું હતું કે, તાજેતરમાં પોલીસ તપાસમાં આદિલ ખાન તેના નિવાસસ્થાને મળી આવ્યો નહોતો. અમારી તપાસમાં સામે આવ્યું છે કે તે દેશ છોડીને ચાલ્યો ગયો છે. અમે તેને શોધવા હોમ ઓફિસ સાથે મળીને કામ કરી રહ્યાં છીએ. તે યુરોપના કોઇ દેશમાં નાસી ગયો હોવાની સંભાવના છે.
આદિલ ખાનને દેશનિકાલ કરવા માટે યુકે અને પાકિસ્તાનની સરકારો વચ્ચે ઘણી મંત્રણા થઇ હતી. અત્યાર સુધી પાકિસ્તાન તેને પરત લેવાનો ઇનકાર કરતો હતો. આદિલ ખાન બ્રિટન અને પાકિસ્તાન એમ બંનેની નાગરિકતા ધરાવતો હતો પરંતુ દેશનિકાલથી બચવા તેણે પાકિસ્તાનની નાગરિકતાનો ત્યાગ કર્યો હતો.


