રોજ ૧,૦૦૦થી વધુ ડિમેન્શિયા પેશન્ટ હોસ્પિટલોમાં ખડકાય છે

Wednesday 29th January 2020 06:09 EST
 
 

લંડનઃ સોશિયલ કેર સિસ્ટમમાં ભંગાણ પડવાના કારણે ડિમેન્શિયા પેશન્ટ્સના હોસ્પિટલોમાં તાકીદે એડમિશન કરાવવાની સંખ્યા વાર્ષિક ૩૭૯,૦૦૪ના આંકડે પહોંચી છે. આમાંથી ૪૦,૦૦૦થી વધુ દર્દીને એક મહિનાથી વધુ સમય રઝળતા મૂકી દેવાયા હતા. અલ્ઝાઈમર્સ સોસાયટીએ જણાવ્યું છે કે ડિમેન્શિયાગ્રસ્તોની હાલત બગડી રહી છે.

NHSના ડેટા અનુસાર ડિમેન્શિયાથી પીડાતા લોકોને તાકીદે હોસ્પિટલોમાં દાખલ કરાયા હોય તે સંખ્યા વાર્ષિક ૩૭૯,૦૦૪ એટલે કે દિવસના ૧૦૦૦થી વધુના આંકડે પહોંચી છે. માત્ર પાંચ વર્ષમાં આવા પેશન્ટ્સની વાર્ષિક સંખ્યામાં ૧૦૦,૦૦૦ અથવા તો ૩૫ ટકાનો ધરખમ વધારો થયો છે. આમાંથી ૪૦,૦૦૦થી વધુ દર્દી તો દાખલ કરાયાના એક મહિનાથી વધુ સમય રઝળતા રહ્યા હતા. જો પૂરતી સામાજિક સંભાળ મળે તો ડિમેન્શિયાગ્રસ્તોને પડવા-આખડવા, ડીહાઈડ્રેશન અથવા ઈન્ફેક્શન સાથે હોસ્પિટલમાં દાખલ કરવાનું ટાળી શકાય. ઘણા પેશન્ટ્સ તો કેર હોમમાં તેમના માટે જગા ન હોવાથી તબીબી રીતે ફિટ હોવાં છતાં, હોસ્પિટલમાં જ પડી રહે છે.

૨૦૧૭-૧૮ના વર્ષમાં ઈંગ્લેન્ડમાં ડિમેન્શિયાથી પીડાતાં ૬૫૦,૦૦૦ લોકોના લગભગ અડધાને હોસ્પિટલોમાં ઈમર્જન્સી દાખલ કરવા પડ્યા હતા. ડિમેન્શિયા પેશન્ટ્સ હોસ્પિટલોમાં રાખવાના ખર્ચ સાથેના તાકીદે એડમિશન્સથી NHSપર વાર્ષિક ૪૪૫ મિલિયન પાઉન્ડનો બોજો પડે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter