લંડનઃ એમ્પ્લોયમેન્ટ ટ્રિબ્યુનલે ઐતિહાસિક ચુકાદામાં પોસ્ટ-બ્રેક્ઝિટ વિઝા યોજના હેઠળ કેર વર્કર તરીકે બ્રિટન આવેલા એક ભારતીય નાગરિકને 30,000 પાઉન્ડનું વળતર ચૂકવવા એમ્પ્લોયર કંપનીને આદેશ આપ્યો છે. બ્રિટન આવ્યા બાદ કંપનીએ આ ભારતીયને આખું વર્ષ એક પણ દિવસનું કામ આપ્યું ન હતું. ટ્રિબ્યુનલે કેર કંપની સ્વાન કેર સોલ્યુશન્સ લિમિટેડને આદેશ આપ્યો છે કે તેઓ શાબીન શાજી કામ કરવાતૈયાર હતા તે તમામ દિવસોનું વેતન ચૂકવે.
કેરળના વતની અને કમ્પ્યુટર સાયન્સ ગ્રેજ્યુએટ 33 વર્ષીય શાબીન શાજીએ બ્રિટનમાં હેલ્થકેર ક્ષેત્રે જોડાવાનો નિર્ણય કર્યો હતો નોકરી મેળવવા માટે તેમણે એજન્ટોને 17,000 પાઉન્ડ ચૂકવ્યા હતા. જો કે બ્રિટન આવ્યા પછી શાજીને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. કંપનીએ તેમને એક પણ શિફ્ટ ન આપી. સ્પોન્સર્ડ વિઝાના નિયમો મુજબ તેઓ અન્ય કોઈ જગ્યાએ અઠવાડિયામાં 20 કલાકથી વધુ કામ કરી શકે તેમ ન હોવાથી તેઓ ભારે આર્થિક સંકટમાં મૂકાયા હતા.
સુનાવણી દરમિયાન એમ્પ્લોયમેન્ટ જજ કેટ એડમન્ડ્સે જણાવ્યું હતું કે, અરજદારે કામ શરૂ કરવા માટે જરૂરી તમામ પ્રક્રિયા પૂર્ણ કરી હતી. તેઓ તમામ કાનૂની મંજૂરીઓ સાથે નિર્ધારિત સ્થળે હાજર હતા. તેમ છતાં કંપનીએ તેમને ન તો કામ આપ્યું, ન તો વેતન ચૂકવ્યું. કંપની તેમની સાથે 'ઝીરો-અવર્સ વર્કર' જેવો વ્યવહાર કરી રહી હતી, જે કાયદેસર રીતે ખોટું છે.
ટ્રિબ્યુનલે કંપનીને વેતન અને હોલિડે પે પેટે 28,843.54 પાઉન્ડ અને કાનૂની ખર્ચ પેટે વધારાના 8,700 પાઉન્ડ ચૂકવવાનો આદેશ આપ્યો છે.


