લંડનઃ યુકે કેશલેસ સમાજ બનવાની દિશામાં આગળ વધી રહ્યો હોવા છતાં રોજિંદા ખર્ચ માટે રોકડનો ઉપયોગ કરનારા લોકોની સંખ્યામાં આશ્ચર્યજનક વધારો થઇ રહ્યો છે. યુકે ફાઇનાન્સના એક રિપોર્ટ અનુસાર ગયા વર્ષે કોન્ટેક્ટલેસ અને મોબાઇલ પેમેન્ટમાં વધારો થયો હતો અને 2022માં રોકડનો ઉપયોગ વધ્યા બાદ તેમાં પણ ઉત્તરોતર ઘટાડો જોવા મળ્યો હતો તેમ છતાં રોજિંદા ખર્ચ માટે રોકડનો ઉપયોગ કરવાનું પસંદ કરતા લોકોની સંખ્યામાં 66 ટકાનો વધારો જોવા મળ્યો છે.
આમ તો રોકડનો ઉપયોગ કરનારા લોકોની સંખ્યામાં દર વર્ષે ઘટાડો થતો રહ્યો છે. 2022માં આ પ્રકારના લોકોની સંખ્યા 9 લાખ હતી પરંતુ 2023માં તેમની સંખ્યા 15 લાખને પાર કરી ગઇ હતી. કોરોના મહામારી બાદનો આ સૌથી ઊંચો આંકડો છે.
યુકે ફાઇનાન્સે જણાવ્યું હતું કે, કોસ્ટ ઓફ લિવિંગ ક્રાઇસિસમાં પોતાના બજેટને મેનેજ કરવામાં મદદ મળી રહે તેના કારણે લોકોએ રોકડ પર પસંદગી ઉતારી હોઇ શકે છે.
ટ્રેઝરીએ પહેલીવાર નવા સિક્કાનો ઓર્ડર ન આપ્યો
ટ્રેઝરીએ આ વર્ષે પહેલીવાર નવા સિક્કા તૈયાર કરવાનો ઓર્ડર આપ્યો નથી. અધિકારીઓએ જણાવ્યું હતું કે, દેશની જરૂરીયાત પ્રમાણે હાલ પુરતી સંખ્યામાં સિક્કા ચલણમાં છે તેથી ટ્રેઝરી દ્વારા રોયલ મિન્ટને નવો ઓર્ડર અપાયો નથી. તેમનું માનવું છે કે આગામી પાંચ વર્ષ સુધી 1 અને બે પેન્સના નવા સિક્કાની જરૂર નહીં પડે. અમારો તાંબાના સિક્કાને ચલણમાંથી હટાવવાનો પણ કોઇ ઇરાદો નથી.


