રોડમેપ જાળવવા મુદ્દે મતભેદ

Wednesday 09th June 2021 07:09 EDT
 

લંડનઃ ઈંગ્લેન્ડમાં લોકડાઉન નિયંત્રણોના સંપૂર્ણ અનલોકિંગ મુદ્દે સરકારનાં ભારે મતભેદો પ્રવર્તી રહ્યા છે. કોવિડ કેસીસમાં ૬૮ ટકાનો વધારો થવા સાતે જ વેક્સિનની અસરકારકતાના પુરાવાઓ પણ મળી રહ્યા છે ત્યારે ૨૧ જૂનના ‘આઝાદી દિન’ મુદ્દે અસમંજસ સર્જાઈ છે. હેલ્થ સેક્રેટરી મેટ હેનકોક અને કેબિનેટ ઓફિસ મિનિસ્ટર માઈકલ ગોવ વડા પ્રધાન જ્હોન્સનને સાવચેતી રાખવા અનુરોધ કરી રહ્યા છે તો ચાન્સેલર રિશિ સુનાક અને ટ્રાન્સપોર્ટ સેક્રેટરી ગ્રાન્ટ શાપ્સ અર્થતંત્ર પર અસરનો મુદ્દો આગળ ધરી રહ્યા છે. અત્યારે તો બે સપ્તાહથી એક મહિના સુધી નિયંત્રણો લંબાવાય તેવી શક્યતા જણાય છે.

કોરોનાના ડેલ્ટા વેરિએન્ટે ૨૧ જૂનના રોડમેપને વિલંબિત કરવાના ભારે હલચલ મચાવી દીધી છે. લોકડાઉન નિયંત્રણો સંપૂર્ણ ઉઠાવી લેવાય તે પહેલા ૫૦ વર્ષથી વધુ વયના તમામ લોકોને સંપૂર્ણપણે વેક્સિન આપી દેવાય અને તેની અસર થાય તેના પર ભાર મૂકાઈ રહ્યો છે.

બિઝનેસ અગ્રણીઓ અને ટોરી સાંસદોએ ચેતવણી આપી છે કે ૨૧ જૂનથી વધુ વિલંબ ભારે નુકસાનકારી બની રહેશે અને હજારો પબ્સ અને રેસ્ટોરાં બંધ થઈ શકે છે. વિલંબથી ઉનાળાના આયોજનોમાં ભંગ પડશે, હજારો લગ્નો રદ થશે, થીએટર્સ શરુ નહિ થાય તેમજ વિમ્બલ્ડન ટેનિસ ટુર્નામેન્ટ અને મ્યુજિક ફેસ્ટિવલ્સ જેવા મહત્ત્વના ઈવેન્ટ્સને પણ અસર થશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter