લંડનઃ સત્તાવાળાઓ સુગ્રથિત બાળ યૌનશોષણ અપરાધના કૌભાંડને નિયંત્રણ લેવામાં નિષ્ફળ જવા સાથે રોધરહામમાં મુખ્યત્વે કાશ્મીરીઓની બનેલી ગેંગ્સ દ્વારા બાળકો અને નાની છોકરીઓને લલચાવી તેમનો મોટા પાયે દુરુપયોગ કરવાનું કાર્ય હજુ યથાવત હોવાની વરવી વાસ્તવિકતાનો પર્દાફાશ થયો છે. Express.co.uk દ્વારા વ્યાપક તપાસમાં યૌનશોષણના પીડિતો, કેમ્પેઈનર્સ અને સ્થાનિક રહેવાસીઓની આઘાતજનક જુબાનીઓ મેળવવામાં આવી છે. પોલીસ અને સ્થાનિક કાઉન્સિલ હજારો અસુરક્ષિત બાળાઓને ન્યાય અપાવવામાં કેવી નિષ્ફળ રહી છે તેની આ કથા છે.
બાળ યૌનશોષણકર્તાઓની સુગ્રથિત અને ક્રિમિનલ ગેંગ્સ રોધરહામ નગરનો ઉપયોગ અંગત જાગીર તરીકે કરી મલ્ટિ-મિલિયન પાઉન્ડના અપરાધ સામ્રાજ્યના હિસ્સારુપે સેક્સ માટે નાની વયની બાળાઓની હેરફેર કરે છે. આ ગેંગ્સમાં મુખ્યત્વે ભારત અને પાકિસ્તાનની સરહદે કાશ્મીરના વિવાદિત પ્રદેશમાં મીરપુર શહેરના પુરુષો સંકળાયેલા છે. મુખ્યપ્રવાહના બ્રિટિશ પાકિસ્તાનીઓ આ કોમ્યુનિટીના થોડા પુરુષોની પ્રવૃત્તિના વિરોદી હોવાની રજૂઆતના પગલે Express.co.ukએ શોષણખોરોનો ઉલ્લેખ કાશ્મીરી અથવા મીરપુરી તરીકે જ કર્યો છે.
આ કૌભાંડ સંદર્ભે પ્રોફેસર એલેક્સીસ જયના લેન્ડમાર્ક રિપોર્ટમાં પોલીસ અને કાઉન્સિલ વર્કર્સ દ્વારા રેસિસ્ટ હોવાનું બ્રાન્ડિંગ થવાના ભયે આ મુદ્દો નજરઅંદાજ કરાયાના આરોપના બે વર્ષ પછી પણ આ નવી તપાસમાં મોટા પાયે શોષણ યથાવત હોવાનું બહાર આવ્યું છે. પ્રોફેસર જયના રિપોર્ટમાં ૧૯૯૭થી ૨૦૧૩ના સમયગાળામાં સેક્સ ગેંગ્સ દ્વારા ઓછામાં ઓછી ૧,૪૦૦ છોકરીઓને લલચાવી તાબે કરાયાનું અને સ્થાનિક ઓથોરિટીઝની નિષ્ફળતા વિશે જણાવાયું હતું.
માર્ચ મહિનામાં પ્રોફેસર જ્હોન ડ્રયુ દ્વારા પ્રસિદ્ધ ફોલો-અપ રિપોર્ટમાં ચાઈલ્ડ ગ્રૂમિંગ મુદ્દે પોલીસ હવે સારી કામગીરી બજાવે છે અને ઐતિહાસિક નિષ્ફળતા એકલદોકલ હોવાનું જણાવાયું હતું. જોકે, સ્વતંત્ર સ્રોતો પાસેથી મેળવાયેલી વિગતો ઓથોરિટીઝના પ્રતિભાવોનું વિપરીત ચિત્રણ જ કરે છે. પ્રોફેસર ડ્રયુની ઈન્ક્વાયરીમાં જુબાની આપનારાં લોકોએ તેમના તારણો અંગે નિરાશા વ્યક્ત કરી છોકરીઓનું ગ્રૂમિંગ પહેલા જેવું જ ખરાબ હોવાનું જણાવ્યું છે. સંખ્યાબંધ લોકોએ પોલીસ અને સ્થાનિક કાઉન્સિલ વર્કર્સ દ્વારા ગ્રૂમિંગ ગેંગ્સ પર ત્રાટકવાની વધુ કામગીરી કરાઈ નહિ હોવાનો રોષ Express.co.uk સમક્ષ રજૂ કર્યો હતો. હજુ પણ ગેંગ્સ દ્વારા ધાકધમકી અપાય છે.

