લંડનઃ શેફિલ્ડ ક્રાઉન કોર્ટે સાઉથ યોર્કશાયરની ૧૫ કિશોરીઓને ફોસલાવી, બળાત્કાર તેમજ જાતીય હુમલાના ચકચારી રોધરહામ સેક્સ એબ્યુઝ કૌભાંડમાં ત્રણ ભાઈઓ તથા અન્ય ત્રણ આરોપીને શુક્રવાર, ૨૬ ફેબ્રુઆરીએ કુલ ૧૦૩ વર્ષ જેલની સજા ફરમાવી હતી. ૪૦ વર્ષીય અર્શિદ હુસૈનને ૩૫ વર્ષની, ૩૯ વર્ષીય બશારત હુસૈનને ૨૫ વર્ષની અને ૩૬ વર્ષીય બન્નારસ હુસૈનને ૧૯ વર્ષ, તેમના ૫૩ વર્ષીય કાકા કુરબાન અલીને ૧૦ વર્ષ તથા સાથી ૫૮ વર્ષીય કારેન મેક્ગ્રિગોરને ૧૩ વર્ષ અને ૪૦ વર્ષીય શેલી ડેવિસને ૧૮ મહિનાની સસ્પેન્ડેડ મુદતની સજા ફરમાવાઈ હતી. રોધરહામમાં કુખ્યાત અર્શિદ અને બશારત હુસૈનને બળાત્કાર, અપહરણ, ગેરકાયદે બંધનાવસ્થા તેમજ હત્યાની ધમકી સહિત ૩૮ અપરાધના દોષી ઠરાવાયા હતા, જ્યારે બન્નારસ હુસૈને ટ્રાયલ અગાઉ ૧૦ ગુના કબૂલ્યા હતા. મેક્ગ્રિગોર અને ડેવિસ ગેરકાયદે બંધનાવસ્થા અને ૨૧ વર્ષથી ઓછી વયની યુવતીને પ્રોસ્ટિટ્યુશન માટે લાવવાના તેમજ કુરબાન અલીને બળાત્કારના કાવતરા માટે દોષિત ઠરાવાયાં હતા. જજે પબ્લિક ગેલેરીમાં બેઠેલી ‘જેસિકા’ સહિત કેટલાંક વિક્ટિમ્સને તેમની અપ્રતિમ હિંમત બદલ બિરદાવ્યાં હતાં. અન્ય બે આરોપી ભાઈઓ માજિદ બોસ્તાન (૩૭) અને સાજિદ બોસ્તાન (૩૮)ને તમામ આરોપોમાંથી મુક્ત કરાયા હતા.
અપરાધી ગેન્ગને સજા સંભળાવતાં જજ સારાહ વ્હાઈટે કહ્યું હતું કે,‘ આ લોકોએ કરેવું નુકસાન અકલ્પનીય પ્રમાણમાં છે. તમારા અપરાધની પીડિતાઓ, તેમના પરિવાર અને વ્યાપક સમાજને વિનાશક અસર થઈ છે. તેમના બાળપણ અને કિશોરાવસ્થા ફરી કદી પાછી આવશે નહિ. કેટલીક પીડિતાના મનમાં એવો ખ્યાલ હતો કે તમે રોધરહામ પર શાસન ચલાવતા હતા. તમે આ બધા મુદ્દાઓનો પૂરેપૂરો ઉપયોગ કર્યો હતો.’ જજે કહ્યું હતું કે આ ભાઈઓ તેમના વિસ્તારમાં જાણીતા હતા, વિશેષ પ્રકારની કાર્સ ડ્રાઈવ કરતા હતા અને હિંસા માટે કુખ્યાતિ ધરાવે છે.
અર્શિદ હુસૈનને ૩૫ વર્ષના આદેશથી ખુશી અનુભવતાં ૧૪ વર્ષની વયથી જાતીય શોષણગ્રસ્ત એક મહિલાએ કહ્યું હતું કે, ‘તેણે મારી જિંદગી બગાડી હતી. મને હવે લાગે છે કે મેં તેની જિંદગી બગાડી છે. તેણે મારી સાથે કરેલી કેટલીક બાબતો મારી સાથે જિંદગીભર રહેશે, પરંતુ હકીકત એ છે કે મને ન્યાય મળ્યો છે. હું સત્ય અને ન્યાય માટે અહીં આવી હતી.’
હુસૈન ભાઈઓ ‘જંગલી જનાવરનું ઝૂંડ’
બે મહિનાની ટ્રાયલ દરમિયાન કોર્ટ સમક્ષ મેડ એશ, બેશ અને બોનો તરીકે કુખ્યાત હુસૈનબંધુઓ અને તેમના સાથીઓએ વર્ષો સુધી છોકરીઓને બળાત્કાર, હિંસા અને વેશ્યાવૃત્તિનો શિકાર બનાવ્યાની રજૂઆતો કરાઈ હતી. એક સાક્ષીએ હુસૈન ભાઈઓને ‘જંગલી જનાવરનું ઝૂંડ’ તરીકે ઓળખાવ્યા હતા. અર્શિદે એક પીડિતા માત્ર ૧૧ વર્ષની હતી ત્યારે તેનું જાતીય શોષણ કર્યું હતું. આ પછીના પાંચ વર્ષ તેના પર બળાત્કાર કરાતો હતો અને અર્શિદના દેવાંની ચૂકવણીના હપ્તા તરીકે અન્ય પુરુષો સાથે સેક્સની ફરજ પાડવામાં આવતી હતી. બન્નારસ હુસૈને રોધરહામ પોલીસ સ્ટેશન નજીક કાર પાર્કમાં એક વિક્ટિમનું શોષણ કર્યું હતું. અન્ય પીડિતાએ બશારત હુસૈને તેને પીક ડિસ્ટ્રિક્ટ કારમાં લઈ ગયા પછી પોતાની કબર ખોદવા જણાવ્યાનું કોર્ટ સમક્ષ કહ્યું હતું.
અર્શિદ હુસૈન અને ફર્ટિલિટી ટ્રીટમેન્ટ
યૌનશોષક અર્શિદ હુસૈનને દોષિત ઠરાવાયા પછી તે પોતાની પત્ની સાથે ફર્ટિલિટી ટ્રીટમેન્ટનું આયોજન કરતો હોવાની વિગત બહાર આવી હતી. અર્શિદ ડિસેબિલિટીના કારણે ટ્રાયલનો સામનો કરી શકે તેમ ન હોવાની નિષ્ફળ દલીલ તેના ધારાશાસ્ત્રી ટીમે કરી હતી, જે દરમિયાન આ વિગતો જાણવામાં આવી હતી. તેના પેટમાં ૨૦૦૫માં ગોળી વાગતા તે પેરાપ્લેજિક બન્યો હતો અને પથારીમાં રહેવું પડતું હોવાનું તેના વકીલોએ કહ્યું હતું. વાસ્તવમાં કેટલીક છોકરીઓનું જાતીય શોષણ કર્યા પછી તેમના ૧૮ જેટલા સંતાનોનો પિતા બન્યો હતો અને કેટલીક છોકરીઓના ગર્ભપાત પણ કરાવ્યા હતા. ટ્રાયલ દરમિયાન અર્શિદ ફક્ત એક વખત કોર્ટમાં હાજર થયો હતો. તેના ઘેરથી વીડિયો લિન્ક મારફત પ્રોસિડિંગ્સમાં ભાગ લેવાની તેને પરવાનગી અપાઈ હતી.
યૌનશોષણખોરોને બચાવવા પોલીસનું ષડયંત્ર
ભ્રષ્ટાચારી પોલીસ અને વગશાળી રાજકારણીએ પરિણામોના ભય વિના યથેચ્છ વિહારની નીતિએ હુસૈનબંધુઓને રોધરહામ પર રાજ્ય કરવાની જાણે પરવાનગી આપી દીધી હતી. એક પોલીસ ઓફિસરે નાની વયની છોકરી સાથે સેક્સસંબંધ બાંધ્યો હતો, સેક્સ ગ્રૂમિંગ ગેન્ગને માદક પદાર્થો પહોંચાડ્યા હતા અને જ્યારે લાપતા બાળકોની તપાસ વિશેની માહિતી પણ અપરાધીઓને આપી હોવાની રજૂઆત કોર્ટ સમક્ષ કરાઈ હતી. જ્યુરી સમક્ષ કહેવાયું હતું કે એક શોષિત કિશોરીને પોલીસને સુપરત કરાશે તો કશું નહિ થવાની ખાતરી અપરાધીને અપાઈ હતી. આ કિશોરીની સોંપણી સમયે રોધરહામ કાઉન્સિલના પૂર્વ ડેપ્યુટી લીડર જહાંગીર અખ્તર પણ હાજર હોવાનું જણાવાયું હતું. સાઉથ યોર્કશાયર પોલીસના પૂર્વ ડેપ્યુટી ચેરમેન અખ્તર હુસૈનબંધુઓના સગા પણ હતા. ટ્રાયલ દરમિયાન વારંવાર જણાવાયું હતું કે કાઉન્સિલ અને પોલીસ અને સોશિયલ એજન્સીઓને રોધરહામમાં શુ થતું હતું તેની જાણ હતી, પરંતુ કાર્યવાહી કરવામાં તેઓ નિષ્ફળ રહ્યા હતા.
૧,૪૦૦ છોકરીઓનું જાતીય શોષણ
રોધરહામમાં ૧૮ મહિના અગાઉ બાળ યોનશોષણ કૌભાંડ પ્રકાશમાં આવ્યાં પછી અને ઓગસ્ટ ૨૦૧૪માં પ્રોફેસર એલેક્સીસ જયનો રિપોર્ટ પ્રસિદ્ધ થયા પછી આ પ્રથમ સફળ પ્રોસિક્યુશન છે. જય રિપોર્ટમાં જણાવાયું હતું કે ૧૬ વર્ષના સમયગાળામાં રોધરહામમાં ઓછામાં ઓછી ૧,૪૦૦ છોકરીઓનું જાતીય શોષણ કરાયું હતું અને મોટા ભાગના ગુનાખોરો પાકિસ્તાની મૂળના પુરુષો હતા. રિપોર્ટમાં એવો આક્ષેપ પણ કરાયો હતો કે સાઉથ યોર્કશાયર પોલીસ અને રોધરહામ બરો કાઉન્સિલ તદ્દન નિષ્ફળ ગઈ હતી અને છેક ૨૦૦૨થી આ મુદ્દાને હાઈલાઈટ કરતા દસ્તાવેજો દબાવી રખાયા હતા. ચુકાદાઓ પછી ઈન્ડિપેન્ડન્ટ પોલીસ કમ્પ્લેઈન્ટ્સ કમિશને જણાવ્યું હતું કે તેઓ પોલીસ વર્તણૂક સામે ૧૯૪થી વધુ આક્ષેપની તપાસ કરી રહ્યા છે અને અત્યાર સુધી ૫૪ અધિકારીના નામ બહાર આવ્યા છે, જેમાંથી ૨૬ અધિકારીને તેમની તપાસ ચાલતી હોવાની જાણ કરાઈ છે.
કોર્ટની બહાર તપાસનો હવાલો સંભાળતા ડિટેક્ટિવ ચીફ ઈન્સ્પેક્ટર માર્ટિન ટેટે જણાવ્યું છે કે આ સજાથી અપરાધીઓને સાચો સંદેશો પહોંચશે. શહેરમાં જાતીય શોષણના મુદ્દે અન્ય તપાસો ચાલુ રખાશે. તેમણે અપરાધના શિકાર બનેલી પીડિતાઓને આગળ આવવા અપીલ કરી હતી.
રોધરહામ અપરાધીઓને ‘એશિયન’ ન કહો
શીખ ફેડરેશન યુકેના ચેરમેન ભાઈ અમરિકસિંહે રોધરહામ સેક્સ ગ્રૂમિંગ કૌભાંડના આરોપીઓને ‘એશિયન’ તરીકે નહિ ઓળખાવવા રાજકારણીઓ અને મીડિયાને અપીલ કરી છે. વાસ્તવમાં આ કેસમાં સજા કરાયેલા છ અપરાધીમાંથી ચાર પાકિસ્તાની મૂળના અને બે બ્રિટિશ મહિલા છે. ભાઈ અમરિકસિંહે કહ્યું હતું કે જો ચાર દોષિત વ્યક્તિ મૂળ પાકિસ્તાની મુસ્લિમ જ હોય તો તેમનું વર્ણન એ જ રીતે કરાવું જોઈએ, એશિયન તરીકે નહિ. હિન્દુ કાઉન્સિલ યુકે, ધ નેટવર્ક ઓફ શીખ ઓર્ગેનાઈઝેશન્સ, શીખ મીડિયા મોનિટરિંગ ગ્રૂપ અને શીખ અવેરનેસ સોસાયટીના સંયુક્ત નિવેદનમાં જણાવાયું હતું કે,‘ ક્રિમિનાલિટી પેટર્નનો શિકાર બન્યા હોય તેમને જ ‘એશિયન’ ટર્મિનોલોજીથી વધુ કલંકિત કરવા ન જોઈએ. આપણે સંડોવાયેલા લોકોની ઓળખ બાબતે વધુ સ્પષ્ટ થવું જોઈએ’ ૧,૮૫૯ લોકોએ ગ્રૂમિંગ અને યૌનશોષણ કેસીસમાં ‘એશિયન’ શબ્દનો ઉપયોગ ન કરવા જણાવતી પિટિશન પર સહીઓ કરી છે.


