લંડનઃ રોધરહામમાં સગીરાવસ્થામાં ગ્રુમિંગ ગેંગોનો શિકાર બનેલી પાંચ મહિલાઓએ આરોપ મૂક્યો છે કે તે સમયે પોલીસ અધિકારીઓએ પણ તેમનું શારીરિક શોષણ કર્યું હતું. એક મહિલાએ આરોપ મૂક્યો છે કે તે 12 વર્ષની હતી ત્યારે સાઉથ યોર્કશાયર પોલીસના એક અધિકારીએ તેના પર પોલીસની કારમાં જ બળાત્કાર કર્યો હતો. અધિકારીએ તેને ધમકી આપી હતી કે જો તે તેને શરણે નહીં થાય તો તે તેને ગ્રુમિંગ ગેંગના હવાલે કરી દેશે. તે સમયે મને એમ લાગ્યું હતું કે, વારંવાર બળાત્કારનો ભોગ બનવા કરતાં એકવાર બળાત્કાર સહન કરી લેવો વધુ સરળ છે.
ગ્રુમિંગ ગેંગોનો શિકાર બનેલી 25 મહિલાઓ સાથે આ પાંચ મહિલાઓએ આપેલી લેખિત જુબાનીમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે ભ્રષ્ટ પોલીસ અધિકારીઓ ગ્રુમિંગ ગેંગો સાથે મળીને કામ કરતા હતા અથવા તો સગીરાઓનું શારીરિક શોષણ અટકાવવામાં નિષ્ફળ રહ્યાં હતાં.
આ આરોપોના પગલે પોલીસ વોચડોગના આદેશ અનુસાર રોધરહામ ગ્રુમિંગ સ્કેન્ડલમાં પોલીસ અધિકારીઓની સંડોવણી અંગે નવેસરથી તપાસ શરૂ કરવામાં આવી છે. ગ્રુમિંગ ગેંગ્સ પર તપાસ કરી રિપોર્ટ આપનાર પ્રોફેસર એલેક્સિસ જેએ જણાવ્યું હતું કે સાઉથ યોર્કશાયર પોલીસને જ તેના પૂર્વ અધિકારીઓની તપાસ સોંપાઇ છે તે જાણીને પીડિતાને ઘણો આઘાત લાગ્યો છે. આ તપાસ અન્ય પોલીસ વિભાગ અથવા તો સ્વતંત્ર એજન્સી દ્વારા કરાવવી જોઇએ.
સાઉથ યોર્કશાયર પોલીસના આસિસ્ટન્ટ ચીફ હેલી બાર્નેટે જણાવ્યું છે કે ભૂતકાળમાં જે કાંઇ થયું તે પીડિતા માટે કેટલું પીડાદાયક હશે. તે સાઉથ યોર્કશાયર પોલીસમાં વિશ્વાસ મૂકે તે અઘરી બાબત છે. પરંતુ અમે પીડિતાઓને કેન્દ્રમાં રાખીને જ તપાસ કરી રહ્યાં છીએ. તમામ પગલાં તેમના શ્રેષ્ઠ હિતોને ધ્યાનમાં રાખીને લેવાશે.